મુંબઈઃ અરજદાર 63 મૂન્સ ટેક્નોલોજીસ કંપનીએ વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમ અને બે સરકારી અમલદારો વિરુદ્ધની તપાસમાં સીબીઆઈ વિલંબ કરી રહી હોવાની ફરિયાદ મુંબઈ વડી અદાલતમાં કરી છે. તે સંબંધેની સુનાવણી વખતે સોમવારે 10મી ઓગસ્ટે સીબીઆઇએ અદાલતમાં કહ્યું હતું, ”ફરિયાદી (63 મૂન્સ ટેક્નોલોજીસ) કંપનીને અમે નિવેદન નોંધાવવા માટે બોલાવી હતી અને આક્ષેપોના સમર્થનમાં કોઈ પુરાવો હોય તો એ સુપરત કરવાની સૂચના આપી હતી. આમ છતાં, કંપની પાસેથી કોઈ પુરાવો કે દસ્તાવેજ હજી મળ્યા નથી.”
કંપનીના ધારાશાસ્ત્રી આબાદ પોંડાએ તુરંત જ સીબીઆઇની ખોટી દલીલને રદિયો આપતાં કહ્યું હતું કે તમામ આવશ્યક દસ્તાવેજો સીબીઆઇને આપી દેવાયા છે. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઈઓ મુજબ પ્રાથમિક તપાસ ચાર મહિનાની અંદર પૂરી થઈ જવી જોઈએ, પરંતુ આ કેસમાં ફેબ્રુઆરીમાં પ્રાથમિક તપાસ શરૂ થવા છતાં જુલાઈ સુધી એ તપાસ પૂરી નહીં થઈ તેથી કંપનીએ જુલાઈમાં વડી અદાલતમાં અરજી કરવી પડી હતી.
આમ, 63 મૂન્સ ટેક્નોલોજીસે પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે.પી. કૃષ્ણન વિરુદ્ધ કરેલી ફરિયાદના કેસમાં અરજદારે સીબીઆઇને તમામ આવશ્યક દસ્તાવેજો સુપરત કરી દીધા હોવા છતાં તપાસ એજન્સીએ મુંબઈ વડી અદાલતમાં ખોટું નિવેદન કર્યું તેથી કોર્ટમાં ઉપસ્થિત સર્વેમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું.
અરજદારના ધારાશાસ્ત્રી પોંડાની દલીલો સાંભળીને બેન્ચે સીબીઆઇને હુકમ કર્યો હતો કે તેણે તપાસની વિગતો ધરાવતું સોગંદનામું સુપરત કરવું. બેન્ચે આગામી સુનાવણી 13મી ઓગસ્ટે રાખી છે.
અહીં જણાવવું રહ્યું કે 63 મૂન્સ ટેક્નોલોજીસે (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ) ગયા વર્ષની 15મી ફેબ્રુઆરીએ સીબીઆઇમાં ફરિયાદ કરી હતી કે પી. ચિદમ્બરમ તથા અમલદારો – રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણન દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરાયો હતો. આથી એમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવવો જોઈએ. સત્તાના દુરુપયોગને કારણે 63 મૂન્સને પ્રચંડ મોટું નુકસાન થયું છે. કંપનીએ આ બાબતે ફરી ગયા વર્ષની 20મી જૂને અદાલતને કહ્યું હતું કે સીબીઆઇને આ બાબતે એફઆઇઆર નોંધાવવાનું કહેવામાં આવે. એ અરજીને પગલે સીબીઆઇએ ઓગસ્ટ 2019માં અદાલતને ખાતરી આપી હતી કે ફરિયાદની ચકાસણી કર્યા બાદ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવશે.
કંપનીએ ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમ, ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના તત્કાલીન ચેરમેન રમેશ અભિષેક તથા નાણાં ખાતાના સચિવ કે. પી. કૃષ્ણન વિરુદ્ધ આક્ષેપ કર્યો છે કે તેમણે ત્રણેએ ભેગા મળીને એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પેમેન્ટ કટોકટી સર્જવામાં તથા ત્યાર બાદના સંજોગોમાં બદઇરાદાપૂર્વક કાર્યવાહી કરીને 63 મૂન્સને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
