BSEએ આકોલાનાં બુલિયન ટ્રેડ એસોસિયેશન્સ સાથે MOU કર્યો

મુંબઈઃ BSEએ આકોલા સરાફા એસોસિયેશન અને આકોલા સરાફા વ સુવર્ણ યુવા સંઘ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિગ (MOU) કર્યો છે. આ બંને એસોસિયેશન્સ મહારાષ્ટ્રના આકોલા સ્થિત સોના-ચાંદી બજારનું પ્રતિનિધિત્વ કરે છે. આ MOUનો હેતુ જાણકારીના આદાનપ્રદાન, શિક્ષણ અને તાલીમ, સંયુક્ત કાર્યક્રમો યોજવાનો અને ઝવેરીઓના હિતમાં હોય એવા એકસમાન ક્ષેત્રોમાં ખેડાણ કરવાનો છે.

બીએસઈ બુલિયન-ટ્રેડર્સ અને જ્વેલર્સ માટે પ્રાઈસ રિસ્ક મેનેજમેન્ટ સંબંધિત જાગૃતિ ફેલાવવા સેમીનાર્સ યોજવા માગે છે. આમ કરીને ઝવેરીઓ વધુ સુગઠિત રીતે વેપાર કરી શકશે. ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેકટ્સ જેવાં સાધનો દ્વારા હેજિંગ કરી જોખમ ધટાડી શકાય છે એ અંગેની જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમો યોજવામાં આવશે.

આકોલા સરાફા એસોસિયેશન અને આકોલા સરાફા વ સુવર્ણકાર યુવા સંઘ સાથેના જોડાણથી યોગ્ય પ્રોડકટ્સ સર્જી શકાશે, બુલિયન ટ્રેડમાં જરૂરી પ્રગાઢ-સ્થાનિક નેટવર્ક સ્થાપી શકાશે અને સ્થાનિક બુલિયન ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પારદર્શિતા વધશે, એમ બીએસઈના ચીફ બિઝનેસ ઑફિસર સમીર પાટીલે કહ્યુ હતું.