બ્લુમબર્ગઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ફરી એક વાર પાછળ રાખીને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સૌથી શ્રીમંત ભારતીયોની યાદીમાં ટોચે પહોંચ્યા છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનર્સની યાદી અને બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં- બંનેમાં અંબાણીએ અદાણીને પાછળ કરી દીધા છે. ફોર્બ્સની રિયલ-ટાઇમ અબજોપતિની યાદી અનુસાર અંબાણીની કુલ સંપત્તિ 90.3 અબજ ડોલર છે અને એ વિશ્વના 10મા સૌથી શ્રીમંત વ્યક્તિ છે. જ્યારે અદાણીની કુલ સંપત્તિ 89.3 અબજ ડોલર છે અને તેઓ 11મા સ્થાને છે, જ્યારે બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ અંબાણીની કુલ સંપત્તિ 89.2 અબજ ડોલર છે, જ્યારે 86.3 અબજ ડોલર છે. આ યાદીમાં પણ અંબાણી અને અદાણી અનુક્રમે 10 અને 11 મા સ્થાને છે.
ફોર્બ્સથી માલૂમ પડે છે કે અંબાણીને છેલ્લા ફેરફારમાં 1.4 અબજ ડોલર અને અદાણીને 2.2 અબજ ડોલરનું નુકસાન થયું છે, જ્યારે બ્લુમબર્ગે અંબાણીને 1.3 અબજ ડોલર અને અદાણીને 2.16 અબજ ડોલરનું નુકસાન બતાવ્યું છે.
આ પહેલાં શુક્રવારે અદાણીએ ફોર્બ્સની યાદીમાં 10મું સ્થાન હાંસલ કર્યું હતું. જોકે તેની કુલ સંપત્તિ 637 મિલિયન ડોલર વધીને 91.1 અબજ ડોલર થઈ ગઈ હતી. બીજી બાજુ, અંબાણી 79.4 મિલિયન ડોલરના નુકસાન પછી 11મા સ્થાને સરક્યા હતા અને હાલમાં તેમની કુલ સંપત્તિ 89.2 અબજ ડોલર છે.
આ રેન્કિંગમાં ફેરફાર અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મરના શેરબજારમાં લિસ્ટિંગ પછી આવ્યો છે.