બીએસઈ એક શેરદીઠ બે બોન્સ-શેર ઈસ્યૂ કરશે

મુંબઈ તા.8 ફેબ્રુઆરી, 2022: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ  31 ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અંતેના સ્ટેન્ડ એલોન અને કોન્સોલિડેટેડ કામગીરી જાહેર કરી છે. બીએસઈના બોર્ડે રૂ.2ની મૂળ કિંમતના પ્રત્યેક એક ઈક્વિટી શેર દીઠ બે બોનસ ઈક્વિટી શેર ઈસ્યૂ કરવાની ભલામણ કરી છે.

બીએસઈની નાણાકીય કામગીરી અંગેની ટિપ્પણમાં બીએસઈના સીઈઓ અને એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું કે બહુવિધ મોરચે ઈનોવેશન અને ટેકનોલોજી ચાલુ રાખીને બીએસઈ સાતત્યપૂર્ણ અને નફાદાયક વૃદ્ધિ કરવા માટે કટિબદ્ધ છે. અમે વર્તમાન વેપારમાં અમારી કામગીરીને વધુ ઉત્કૃષ્ટ બનાવવા પર ધ્યાન આપીશું અને નવા વેપારો પર ઝડપી વૃદ્ધિનું લક્ષ્ય રાખીશું.

ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ ધોરણે શેરધારકોને વહેંચણીપાત્ર ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.32.37 કરોડથી 89 ટકા વધીને રૂ.61.29 કરોડ થયો છે.

કોન્સોલિડેટેડ કાર્યકારી નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.2.21 કરોડથી 25 ગણો વધીને રૂ.57.54 કરોડ થયો છે. કુલ આવક રૂ.120.59 કરોડથી 60 ટકા વધીને 197.67 કરોડ થઈ છે.

બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મ પર ત્રિમાસિક ગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા વર્ષના સમાન ગાળાના 2.4 કરોડથી 106 ટકા વધીને 5 કરોડની થઈ છે.  વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા આગલા સંપૂર્ણ વર્ષના 9.38 કરોડથી વધીને 12.82 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થઈ છે.

સ્ટાર એમએફ પર સરેરાશ દૈનિક ટર્નઓવર ઈક્વિટી સેગમેન્ટમાં ડિસેમ્બર 2021ના અંતે આગલા વર્ષના સમાન ગાળાના રૂ.3,618 કરોડથી વધીને રૂ.5,217 કરોડ થયું છે, જે 44 ટકાનો વધારો દર્શાવે છે.