મુંબઈઃ બીએસઈ ઈ-એગ્રીકલ્ચરલ માર્કેટ્સ લિ. (બીઈએએમ)એ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ઓફ રુરલ વેલ્યુ ચેઈન (એફડીઆરવીસી) સાથે સમજૂતી કરાર કર્યો છે. આ સમજૂતી કરારનું લક્ષ્ય એફડીઆરવીસીના ટેકાવાળી કૃષિ ઉત્પાદક સંસ્થાઓને કસ્ટમાઈઝ્ડ ઈ-માર્કેટ સોલ્યુશન્સ પૂરાં પાડવાનો છે, જેથી નાના ખેડૂતોને સુવિધાઓ મળી રહે. આ બંને સંસ્થાઓ દેશના ગ્રામીણ વિસ્તારોમાંની વેલ્યુ ચેઈનને મજબૂત કરવાની દિશામાં કાર્ય કરશે.
એફડીઆરવીસીના સીઈઓ આલોક ડેએ આ પ્રસંગે કહ્યું કે એફડીઆરવીસીનો એક હેતુ નાના ખેડૂતોને બજારની કડીઓ પૂરી પાડવાનું છે. આ સમજૂતી કરાર એ દિશામાંનું એક પગલું છે, જેમાં દેશની ખેડૂત સંસ્થાઓ બીએસઈના બીઈએએમ ઈ-સ્પોર્ટ માર્કેટ્સનો સંપર્ક કરી શકશે. એનાથી કોમોડિટીઝના વેપારની પ્રાઈસ ડિસ્કવરી વધુ મજબૂત થશે.
બીઈએએમના સીઈઓ રાજેશ સિંહાએ કહ્યું કે નિયમનયુક્ત પારદર્શી બજાર, બહુવિધ ખરીદદારોનો સીધો સંપર્ક, રોકડ સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય અને મધ્યસ્થીઓના ખર્ચમાં ઘટાડો જેવા મુખ્ય લાભ અમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. અમે આ લાભ રાજ્યના ખેડૂતોને પહોંચે એ માટે એફડીઆરવીસી સાથે મળીને કામ કરીશું.