અમદાવાદ– શેરબજારમાં સતત બીજા દિવસે મિશ્ર વાતાવરણ રહ્યું હતું. એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે શેરોના ભાવ મજબૂત ખુલ્યા હતા. જો કે તેજીના નવા કારણોનો અભાવ હતો, જેથી તેજીવાળા ઓપરેટરોની ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ફરી વળી હતી. ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં બેંક, ઓટો, આઈટી, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ઈન્ડેક્સ વધ્યા મથાળેથી પાછો પડ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 18.88 ઘટી 33,793.38 બંધ થયો હતો. જ્યારે નિફટી ઈન્ડેક્સ 1 પોઈન્ટ વધી 10,443.20 બંધ થયો હતો.ઈન્ડેક્સ બેઈઝડ હેવી વેઈટ શેરોમાં ઓએનજીસી, મારૂતિ, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, એચડીએફસી અને એસબીઆઈમાં જોરદાર વેચવાલી આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધી રહ્યા છે, ફિસ્કલ ડેફિસીટ વધી છે, અને જીએસટીનું કલેક્શન ઘટ્યું છે. આમ નેગેટિવ ફેકટર વચ્ચે તેજીવાળા ખેલાડીઓએ દરેક ઊંચા મથાળે વેચવાલી તક ઝડપી હતી.
- કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ફૂડ ગ્રેન પેકેજિંગમાં જ્યૂટના ઉપયોગને ફરજિયાત કરાયું છે. આ સમાચાર પછી જ્યૂટ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી.
- મંગળવારે એફઆઈઆઈએ રૂપિયા 522 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક નાણાં સંસ્થાઓએ રૂપિયા 64 કરોડની ખરીદી કરી હતી.
- આજે ઓટોમોબાઈલ સ્ટોકમાં ગઈકાલની તેજી આગળ વધી ન હતી, પ્રોફિટ બુકિંગથી ઓટો શેર તૂટ્યા હતા.
- કેપિટલ ગુડઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, મેટલ, બેંક સેકટરના શેરોમાં લેવાલીના ટેકાથી મજબૂતી હતી.
- રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 93.85 પ્લસ બંધ હતો.
- બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 187.22 ઊંચકાયો હતો.
- રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જામનગરમાં દુનિયાની સૌથી મોટી આરઓજીસી એટલે કે રિફાઈનરી ઓફ ગેસ ક્રેકરની શરૂઆત કરી છે.
- રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઈથિલીન કેપિસિટી બમણી થઈ ગઈ છે.
- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ વધીને 60 ડૉલરની સપાટી કૂદાવી ગયો છે. તેમજ બ્રેન્ટ ક્રૂડ 66.73 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડનો ભાવ 3.5 મહિનાની ઊંચી સપાટી પર છે.
- સ્થાનિક બજારમાં કાચા તેલનો ભાવ 2.5 મહિનાની ઊંચાઈ પર પહોંચ્યો હતો.