રાજકીય પક્ષોને ફંડિંગ બનશે ધોરણસર, સરકારે ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કર્યાં

0
1450

નવી દિલ્હી– રાજકીય ફંડફાળાની ગંગોત્રી પારદર્શી બને તે માટે આગળ વધતાં કેન્દ્ર સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ રાજકીય પક્ષોને ફંડિંગ માટેના ઇલેક્ટોરલ બોન્ડની રુપરેખાની ઘોષણા કરી છે. અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું કે રાજકીય પક્ષોને ડોનેશન આપવા માટે એસબીઆઈની પસંદ કરાયેલી શાખાઓમાંથી ઇન્ટરેસ્ટ ફ્રી બોન્ડ ખરીદી શકાશે. તેના માટે દાતાએ એસબીઆઈમાં કેવાયસી માહિતી આપવાની રહેશે.

ઇલેક્ટોરલ બોન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઇ, અને ઓક્ટોબરના 10 દિવસોમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવાશે. જ્યારે સામાન્ય ચૂંટણીઓનું વર્ષ હોય ત્યારે તેની ઉપલબ્ધતા 30 દિવસની રહેશે. ઇલેક્ટોરલ બોન્ડ 1000, 10,000, એક લાખ, 10 લાખ અને 1 કરોડ રુપિયાના ગુણાંકમાં ઉપલબ્ધ બનશે.

નાણાંપ્રધાન જેટલીએ 2017નું બજેટ રજૂ કરતી વખતે ઇલેક્ટોરલ બોન્ડના નિયમોમાં ફેરફારની ઘોષણા કરી હતી. હવે આધિકારીકપણે કોઇપણ વ્યક્તિ રાજકીય પક્ષના માન્ય બેંકખાતાંમાં ફંડફાળો આપી શકશે. આ બોન્ડમાં દાતાનું નામ નહીં હોય. સાથે જ બેંકમાં 15 દિવસની અવધિમાં બેંક ખાતામાંથી ઉપાડી શકાશે. આ બોન્ડમાં ચેક  અથવા ડ્રાફ્ટ દ્વારા અપાતા ફાળા પર પણ કોઇ પ્રતિબંધ લગાવાયો નથી.