ન્યૂયોર્કઃ માર્ક ઝુકરબર્ગના નેતૃત્ત્વવાળી મેટા કંપનીએ ઈલોન મસ્કની માલિકીની સોશ્યલ મિડિયા નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટરને સીધી ટક્કર આપવાનું નક્કી કરી લીધું છે. તે ટ્વિટરની સામે લાવી રહી છે નવી હરીફ એપ ‘થ્રેડ્સ.’ આ એપ એપલના એપ સ્ટોર પર જોવા મળી છે અને તેના પરથી નિર્દેશ મળે છે કે તે 6 જુલાઈએ ડેબ્યૂ કરશે. થ્રેડ્સને ટેક્સ્ટ-આધારિત સંદેશ-વાર્તાલાપ એપ તરીકે ગણવામાં આવી રહી છે, જેમાં યૂઝર્સ ટ્વિટરની જેમ લાઈક કરી શકશે, કમેન્ટ કરી શકશે અને પોતાનાં વિચારો શેર કરી શકશે. થ્રેડ્સ એપ મેટાની જ માલિકીના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ સાથે સંકળાયેલી છે. ઈન્સ્ટાગ્રામના યૂઝર્સ આ નવી એપ પર એમનાં યૂઝરનેમ્સનો ઉપયોગ કરી શકશે અને એ જ એકાઉન્ટ્સને ફોલો કરી શકશે.
ટ્વિટરના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સેએ એપ સ્ટોરમાંથી એક સ્ક્રીનશોટ્સ લઈને એક ટ્વીટમાં લખ્યું છે: ‘તમારા બધા થ્રેડ્સ અમારા છે.’ ઈલોન મસ્કે એના જવાબમાં માત્ર ‘yeah’ જ લખ્યું છે.
મેટાનું થ્રેડ્સ પ્લેટફોર્મ મસ્ક માટે માથાનો દુઃખાવો બની શકે છે, જેમણે ટ્વિટરને ગયા વર્ષે 44 અબજ ડોલરમાં ખરીદી હતી. હવે તેઓ ટ્વિટર પ્લેટફોર્મ પર ધડાધડ એવા ફેરફારો કરી રહ્યા છે જેને કારણે એડવર્ટાઈઝર્સ પરેશાન થઈ ગયા છે અને યૂઝર્સ નિરાશ થઈ ગયાં છે. ઝુકરબર્ગ અને મસ્ક, બંને ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ છે. ઝુકરબર્ગની મેટા કંપની 6 જુલાઈએ થ્રેડ્સને લોન્ચ કરશે એવું કહેવાય છે.
