મુંબઈઃ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC અને સૌથી મોટા ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા HDFC બેન્કની સાથે વિલીનીકરણ થયું છે. શેરધારકોની અને અન્ય તમામ નિયામકીય જરૂરિયાતોની મંજૂરી મળ્યા બાદ દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકે શુક્રવારે ભારતની પ્રમુખ હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિ.નું HDFC બેંકમાં સફળ વિલીનીકરણ થઈ ગયું હોવાની જાહેરાત કરી છે. HDFC બેંક અને HDFC લિ.એ જરૂરી સંમતિઓ અને મંજૂરીઓ પ્રાપ્ત થવાને આધીન ચોથી એપ્રિલ, 2022એ વિલીનીકરણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. બંને કંપનીઓનાં બોર્ડે શુક્રવારે યોજાયેલી તેમની સંબંધિત બેઠકોમાં નોંધ્યું હતું કે આ વિલીનીકરણ પહેલી જુલાઈથી લાગુ થઈ જશે.
આ વિલીનીકરણની યોજના મુજબ HDFC બેંક શેરના વિનિમય ગુણોત્તર અનુસાર રેકોર્ડ તારીખ 13 જુલાઈ, 2023 સુધીમાં HDFC લિ.ના શેરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. બેના ફેસ વેલ્યુના સંપૂર્ણપણે પેઇડઅપ 25 ઇક્વિટી શેરની સામે પાત્ર શેરધારકોને પ્રત્યેક રૂ. એકની ફેસ વેલ્યુના 42 નવા ઇક્વિટી શેર ઇશ્યુ કરશે અને ફાળવશે, જેને સંપૂર્ણપણે પેઇડઅપ તરીકે જમા કરાવી દેવામાં આવશે.
આ વિલીનીકરણની પ્રક્રિયા પૂરી થવા અંગે વાત કરતાં HDFC બેંકના CEO અને MD શશી જગદીશને જણાવ્યું હતું કે આ અમારી વિકાસયાત્રામાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે અને મને વિશ્વાસ છે કે અમારી સંયુક્ત ક્ષમતાની મદદથી અમે નાણાકીય સેવાઓની એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમની રચના કરી શકીશું. અમે HDFC લિ.ની ખૂબ જ પ્રતિભાશાળી ટીમનું HDFC બેંક પરિવારમાં ખરા દિલથી સ્વાગત કરીએ છીએ.
HDFC લિ.ના તમામ કર્મચારીઓ લાગુ થતી તારીખથી HDFC બેંકના કર્મચારીઓ બની જશે. આ વિલીનીકરણ બાદ HDFC બેંકની મહત્ત્વની સહાયક કંપનીઓમાં HDFC સિક્યુરિટીઝ લિ., એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિ., HDFC એસેટ મેનેજમેન્ટ કું. લિ., HDFC અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કું. લિ., HDFC કેપિટલ એડવાઇઝર્સ લિ. અને HDFC લાઇફ ઇન્શ્યોરન્સ કું.લિ.નો સમાવેશ થાય છે.