નવી દિલ્હીઃ જર્મનીની લક્ઝરી કારઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે કહ્યું છે કે એણે આ વખતની નવરાત્રિ અને દશેરા દરમિયાનના દિવસોએ 550 કારોની ડિલિવરી કરી છે અને કંપની માટે તહેવારોની સિઝન પ્રોત્સાહક બની રહી છે.
કંપનીએ આ કારોની ડિલિવરી મુંબઈ, ગુજરાત અને દિલ્હી NCR અને ઉત્તર ભારતની અન્ય બજારોમાં કરી છે. કંપનીએ દિલ્હી NCR ક્ષેત્રમાં તહેવારોની સીઝનમાં 175 કારોની ડિલિવરી કરી છે. હવે આવતા મહિને દિવાળી અને ધનતેરસના સમયગાળા દરમિયાન મર્સિડીઝ-બેન્ઝ કારની નોંધપાત્ર માગ રહેવાની આશા છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
કંપનીની વેચાણ કામગીરી પર ટિપ્પણી કરતાં મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO માર્ટિન શ્વેનકે કહ્યું હતું કે આ વર્ષે તહેવારોની સીઝન કંપની માટે પ્રોત્સાહક રહેવાની ધારણા છે અને અમે ગ્રાહકોનું સકારાત્મક સેન્ટિમેન્ટ જોઈને ખુશ છીએ.
તેમણે કહ્યું હતું કે આ સિઝનમાં કંપનીની આટલી બધી કારોની ડિલીવરી કરી શકવાથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને આનાથી સાબિત થયું છે કે લક્ઝરી કારના ખરીદદારો મર્સિડીઝ-બેન્ઝ બ્રાન્ડ અને ઉત્પાદનો પર વિશ્વાસ ધરાવે છે. તેમણે કંપનીના આઉટલૂક માટે કહ્યું હતું કે હજી બાકીના તહેવારોના સમયગાળા અને ત્રિમાસિક ગાળામાં કારોનું વેચાણ વધે એવી આશા ધરાવીએ છે. અમે બજારમાં નવાં ઉત્પાદનો દાખલ થવાની સાથે ત્રિમાસિક ગાળો અને વર્ષના બાકીના ભાગમાં વેચાણની દ્રષ્ટિએ સારો રહે એ માટે પ્રયત્નશીલ છીએ.