મુંબઈઃ ગુરુવારે BSE સેન્સેક્સ આગલા દિવસના બંધથી 358.54 પોઈન્ટ ઊછળીને 50,614.29 બંધ રહ્યો એ સાથે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશને રૂ.200 લાખ કરોડની સપાટી વટાવવાનો વિક્રમ કર્યો હતો. BSEમાં ઈક્વિટી માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 2,00,47,191.31ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.
આ પ્રસંગે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે 1875માં થયેલી સ્થાપનાથી BSE દેશના સંપત્તિસર્જનમાં અપ્રતિમ યોગદાન આપી રહ્યું છે. અત્યારે માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ.200 લાખ કરોડ થઈ ગયું છે, જે અમેરિકી ડોલરમાં ગણીએ તો 2.75 ટ્રિલ્યન થાય છે. BSE રાષ્ટ્રના સંપત્તિ સર્જનમાં મોખરે રહ્યું છે એ ગર્વની વાત છે. વિકાસના આ તબક્કે ભારતની તુલનામાં કોઈ અન્ય વિકાસશીલ દેશ મૂડીબજારના વિકાસમાં આટલો આગળ નથી. લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનની દષ્ટિએ BSE વિશ્વમાં નવમા ક્રમાંકનું સૌથી મોટું એક્સચેન્જ છે.