ડિસેમ્બર-ત્રિમાસિકમાં ભારતી એરટેલે 854 કરોડનો નફો નોંધાવ્યો

નવી દિલ્હીઃ ભારતી એરટેલે ડિસેમ્બરનાં ત્રિમાસિક પરિણામો રજૂ કર્યાં છે. કંપનીએ સબ્રક્રાઇબર બેઝ વધતાં અને ગ્રાહકોની ઊંચી આવકને લીધે કોન્સોલિડેટેડ ધોરણે નાણાકીય વર્ષ 2021ના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 853.6 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. જોકે ગયા વર્ષે કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર, 2019માં કંપનીએ રૂ. 1035.3 કરોડની ખોટ નોંધાવી હતી.  આ પહેલાં કંપનીને સતત છ ત્રિમાસિક ગાળા સુધી નુકસાન થયું હતું.

કંપનીની સમીક્ષા હેઠળના ગાળામાં આવક 24.2 ટકા વધીને 21,544 કરોડ (રૂ. 26,518 કરોડ) હતી. કંપનીનો દેશમાં ડિસેમ્બર ત્રિમાસિકમાં વેપાર 25.1 ટકા વધીને રૂ. 19,007 કરોડ (રૂ. 15,194 કરોડ) થયો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિકમાં રૂ. 28,450 કરોડની જોગવાઈ કરી હતી, જેથી કંપનીએ ખોટ નોંધાવી હતી. સપ્ટેમ્બર, 2019એ પૂરા થયેલા ત્રિમાસિકમાં કંપનીએ સૌથી મોટી રૂ. 23,045 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી.

દેશમાં કોરોના રોગચાળાને કારણે અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં કંપનીએ આ ત્રિમાસિકમાં ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રદર્શન કર્યું હતું, જે અમારા વેપાર સેગમેન્ટમાં- સતત અમારો બજારહિસ્સો વધારારૂપે પ્રતિબિંબિત થતો રહ્યો હતો, એમ કંપનીના ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના એમડી અને સીઈઓ ગોપાલ વિઠ્ઠલે એક નિવેદનમાં કહ્યું હતું.   ગ્રાહકોની સંખ્યામાં વધારો થતાં કંપનીની મોબાઇલની આવક વાર્ષિક ધોરણે 32.4 ટકાનો વધારો થયો છે. કંપનીના ગ્રાહકોની સંખ્યા વધતાં કંપની ચાર વર્ષ પછી ફરી એક વાર લીડરશિપની પોઝિશન ધરાવે છે. કંપનીની એવરેજ રેવેન્યુ પર યુઝર (SRPU)વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 135થી વધીને રૂ. 166 થઈ છે.