ફેબ્રુઆરીના પહેલા 4-દિવસમાં સેન્સેક્સ 4400-પોઇન્ટ ઉછળ્યો

અમદાવાદઃ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજી થઈ હતી. બીએસઈ સેન્સેક્સ એક ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 4400 પોઇન્ટ ઊછળ્યો છે. મુંબઈ શેરબજારમાં માર્કેટ કેપ રૂ. 200 લાખ કરોડને પાર થયું હતું. નિફ્ટી ઇન્ડેક્સે પણ ઇન્ટ્રા-ડેમાં 14,900ની સપાટી વટાવી હતી. હવે નિફ્ટી 15,000ની મહત્ત્વની સપાટી તરફ વધી રહ્યો છે. બજારની નજર હવે રિઝર્વ બેન્કની એમપીસીની બેઠક પર છે. જોકે બજારને રેપો રેટમાં ઘટાડાની આશા નથી. ગુરુવારે સેન્સેક્સ 359 પોઇન્ટ ઊછળી 50,614ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી-50 ઇન્ડેક્સ 105.70ના ઉછાળાએ 14,895.65ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ પણ 35,000ની સપાટી વટાવી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી આગળ વધી હતી.

સ્થાનિક શેરબજારમાં સ્ટેટ બેન્કનાં પ્રોત્સાહક પરિણામોએ બેન્ક શેરોમાં ધૂમ તેજી થઈ હતી.  એફએમસીજી, પાવર, મેટલ, બેન્કિંગ, ઓટો અને ઓઇલ-ગેસ શેરોમાં ધૂમ લેવાલી થઈ હતી. જોકે આઇટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

નિફ્ટીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી હતા. નિફ્ટી સરકારી બેન્ક ઇન્ડેક્સે છ ટકાની છલંગા લગાવી હતી. બજેટ પછી સ્થાનિક શેરબજારોમાં આગઝરતી તેજી થઈ રહી છે. બીએસઈનું માર્કેટ કેપ રૂ. 1,98,43,784,99 કરોડ હતું, જેમાં 14 લાખ કરોડનો વધારો થયો હતો. આ પહેલાં 14 માર્ચ, 2017એ પહેલી વાર બીએસઈનું માર્કેટ કેપ રૂ. 100 લાખ કરોડને પાર થયું હતું. ત્યારે પછી બીજા 100 લાખ કરોડનું સ્તર હાંસલ કરવામાં ચાર વર્ષથી ઓછો સમય લાગ્યો હતો.

બજારના ટ્રેડિંગ સેશન દરમ્યાન 144 કંપનીઓએ 52 સપ્તાહની મહત્તમ સ્તર હાંસલ કરી હતી. માત્ર બે જ કંપનીઓના શેર 52 સપ્તાહની નીચલી સપાટી સુધી સરક્યા હતા.