મુંબઈઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના ગલવાન ખીણવિસ્તારમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકોના મોતને લીધે ભારતમાં ચીનની વિરુદ્ધમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. લોકો ચાઈનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનો આગ્રહ કરી રહ્યા છે. લોકલાગણીને માન આપીને મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો આંચકો આપ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સાથે વાતચીત કર્યા બાદ ચીનની ત્રણ કંપનીઓના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ પર હાલપૂરતો પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે. હવે કેન્દ્ર સરકારની ફરી માર્ગદર્શિકા આવ્યા બાદ જ રાજ્ય સરકાર કોઈ નિર્ણય લેશે.
આ પ્રોજેક્ટ પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ
|
મહારાષ્ટ્ર સરકારે થોડા દિવસ પહેલા 12 MoU (Memorandum Of Understanding) પર સહીસિક્કા કર્યા હતા. તમામ 3 ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટ હવે કામચલાઉ રીતે અટકાવી દેવામાં આવ્યા છે, જ્યારે 9 પ્રોજેક્ટનું કામ હાલ ચાલુ રહેશે. તેમાં બીજા દેશોની કંપનીઓ પણ સામેલ છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો પાસેથી ચીનના પ્રોજેક્ટ અને આયાત વિશેની જાણકારી માંગી હતી.
આ જ રીતે, ભારતીય રેલવેએ ચીનમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનની કેટલીક કંપનીઓની સાથે થયેલી સમજૂતી પણ રદ કરી દેવામાં આવી છે. આ દરમિયાન, ભારત સરકાર સ્થાનિક પ્રોડક્ટ્સની નિકાસ વધારવાનો પ્રયાસોમાં લાગી ગઈ છે. તેમાં અલગ-અલગ દેશોમાં સ્થાનિક કંપનીઓ માટે નિકાસની તક શોધવા માટે 1500 પ્રોડક્ટની યાદી જાહેર કરી છે.