ન્યૂયોર્કઃ અમેરિકાસ્થિત કંપની ગ્લોબલ લોજિકના પ્રેસિડેન્ટ અને સીઈઓ નિતેશ બંગાનું કહેવું છે કે અમેરિકામાં મોટી ટેક્નોલોજી કંપનીઓમાં કર્મચારીઓની છટણી થવાથી અહીંનું ઘણું બધું કામ ભારતમાં જઈ શકે છે. એને કારણે ભારતના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરને હાલના આર્થિક મંદીના સમયમાં મોટો ફાયદો થઈ શકે છે.
નિતેશ બંગાએ વધુમાં કહ્યું છે કે ઘણી કંપનીઓ ભારતમાં પ્રતિભાશાળી યુવા વ્યક્તિઓને નોકરીએ રાખવા ઈચ્છે છે. આમ, અમેરિકામાં મંદીની અસર સામે ભારતમાં એની ખાસ અસર નહીં વર્તાય.
ગ્લોબલ લોજિક કંપની આઈટી અને આઈટી-આધારિત સેવા ક્ષેત્રમાં એવા એન્જિનિયરોને નોકરીએ રાખે છે, જેમને બે-ત્રણ વર્ષનો અનુભવ હોય. નોકરીએ રાખ્યા બાદ કંપની એમને ડિજિટલ એન્જિનિયરો બનાવવા માટે કૌશલ્ય પ્રદાન કરે છે.