ટેલેન્ટેડ ભારતીય એન્જિનિયરો માટે ઝંખે છે બોઈંગ, એરબસ કંપનીઓ

મુંબઈઃ ભારત દુનિયામાં સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો પાંચમા ક્રમનો દેશ છે. દુનિયાની બે સૌથી મોટી જેટ વિમાન ઉત્પાદક કંપનીઓ – બોઈંગ અને એરબસના વિમાનોની માંગ ભારતમાં સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા અને વિમાન ઉત્પાદનનો ભારતમાં વિસ્તાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ બંને કંપની અત્યંત કૌશલ્યવાન તેમજ ઓછા ખર્ચવાળા અનેક એન્જિનિયરોને રોકવા વિચારે છે અને તે માટે ભારત તરફ આશા રાખે છે.

જેટ વિમાનો બનાવતી અમેરિકાની બોઈંગ કંપનીના ભારતીય વડા સલિલ ગુપ્તેએ બ્લૂમબર્ગ ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે ભારતમાં બોઈંગ તથા એના સપ્લાયરોએ આશરે 18,000ને નોકરીએ રાખ્યા છે. આ સ્ટાફમાં દર વર્ષે લગભગ 1,500 જણનો ઉમેરો થાય છે. એરબસ કંપની પણ ભારતમાં આ વર્ષે નવા 1,000 લોકોને નોકરીએ રાખવા વિચારે છે. ભારતમાં દર વર્ષે આશરે 15 લાખ જેટલા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈને બહાર પડે છે. વિમાન ઉત્પાદક કંપનીઓ ભારતને પ્રતિભાશાળી એન્જિનિયરો માટે એક સમૃદ્ધ સ્રોત તરીકે ગણે છે. ભારતમાં કોરોનાવાઈરસ રોગચાળો સમાપ્ત થયા બાદ વિમાનપ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઉછાળો આવ્યો છે. એને પગલે અનેક એરલાઈન કંપનીઓ તરફથી બોઈંગ અને એરબસ કંપનીઓને નવા વિમાનોની ખરીદી માટે રેકોર્ડ સંખ્યામાં ઓર્ડર મળી રહ્યા છે. બોઈંગ અને એરબસ આ માંગને પહોંચી વળવામાં મુશ્કેલી અનુભવી રહી છે. બોઈંગ કંપની બેંગલુરુમાં એવા એન્જિનિયરોને નોકરીએ રાખવા ઈચ્છે છે જેની પાછળ એને અમેરિકાના સીએટલમાં થતા ખર્ચની તુલનાએ 7 ટકા ઓછો ખર્ચ થાય.