નવી દિલ્હીઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) ડેરી સર્વિસીસ સંસ્થાએ જણાવ્યું છે કે દેશની 22 દૂધ ઉત્પાદક કંપનીઓનાં લાખો ડેરી ફાર્મિંગ સદસ્યોએ વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધારવા માટે દૂધ ઉત્પાદન વધારવાનો આજે સંકલ્પ કર્યો છે.
આજે ‘વિશ્વ દૂધ દિવસ’ છે અને દેશના અનેક રાજ્યોમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. લાખોની સંખ્યામાં દૂધ ઉત્પાદક ખેડૂતો અને તેમના કુટુંબીજનોએ ભારતને ‘ડેરી ઓફ ધ વર્લ્ડ’ બનાવવા માટે કમર કસવાનો નિર્ધાર કર્યો છે. એનડીએસ સંસ્થાનો સહયોગ મેળવનાર 22 દૂધ ઉત્પાદક કંપનીઓમાંની 15 કંપનીઓમાં માત્ર મહિલાઓ સભ્યો છે. એમના બોર્ડ ઉપરના તમામ ઉત્પાદક ડાયરેક્ટરો પણ મહિલાઓ જ છે.