મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને બ્રિટિશ પેટ્રોલિયમના ઈંધણ અને મોબિલિટી માટેના સંયુક્ત સાહસ, રિલાન્સ બીપી મોબિલિટી લિમિટેડે (આરબીએમએલ) તેનું પ્રથમ જિયો-બીપી બ્રાન્ડનું મોબિલિટી સ્ટેશન (પેટ્રોલ અને ઈલેક્ટ્રિક ચાર્જિંગ) નવી મુંબઈ શહેરના નાવડે ઉપનગરમાં શરૂ કર્યું છે. આ પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન તથા અન્ય ઈંધણ ઉપલબ્ધ કરાય છે. 2019માં બ્રિટિશ પેટ્રોલિયમે રિલાયન્સની માલિકીના 1,400થી વધારે પેટ્રોલ પમ્પ તથા 31 વિમાન ઈંધણ (એટીએફ) સ્ટેશનોમાં 49 ટકા ભાગીદારી હસ્તગત કરી હતી. આરબીએમએલમાં રિલાયન્સનો હિસ્સો 51 ટકા છે.
ભારતમાં ઈંધણ અને પરિવહન બજાર ઝડપથી આગળ વધી રહ્યું છે. રિલાયન્સના હાલના નેટવર્ક પરના 1,400 પેટ્રોલ પમ્પ્સને જિયો-બીપીનું નવું નામ આપવામાં આવ્યું છે. આ પેટ્રોલ પમ્પ્સમાં ઉચ્ચ ગુણવત્તાનું ઈંધણ આપવામાં આવશે. સાથોસાથ, આ સ્ટેશન્સમાં ગ્રાહકોને ખાનપાન સેવા પણ પૂરી પાડવામાં આવશે.
