એલન મસ્કે અંબાણીની સંપત્તિ જેટલી કમાણી એક વર્ષમાં કરી

નવી દિલ્હીઃ ક્યારેક કાર ખરીદવાના જેની પાસે નાણાં નહોતાં, તે આજે વિશ્વનો સૌથી શ્રીમંત વ્યક્તિ છે. એટલું જ નહીં, તે આ વર્ષે અત્યાર સુધીની કમાણીમાં પણ નંબર વન છે. જી હા, વાત થઈ રહી છે એલન મસ્કની. તેઓ ટ્રિલિયન-ડોલર માર્કેટ કેપવાળી કંપનીઓની એલિટ ક્લબમાં સામેલ થનારી પહેલી કાર કંપની ટેસ્લાના CEO છે. એલન મસ્કે આ વર્ષે જેટલી કમાણી એટલી સંપત્તિ આજના ટોપ-11 અબજોપતિ સ્ટીવ વોલ્મર, વોરેન બફેટ અને મુકેશ અંબાણીની પણ નથી.

એલન મસ્કની સંપત્તિ સોમવારે એક દિવસમાં 36.2 અબજ ડોલર (રૂ. 2.71 લાખ કરોડ)  વધી ગઈ છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના ઇતિહાસમાં એક દિવસમાં સંપત્તિમાં સૌથી મોટો ઉછાળો છે. એલન મસ્ક હવે 287 અબજ ડોલરની સંપત્તિની સાથે વિશ્વના સૌથી મોટા શ્રીમંત છે. એમેઝોનના ભૂતપૂર્વ CEO જેફ બેઝોસ આમ તો બીજા ક્રમાંકે છે, પણ બંનેની સંપત્તિમાં આશરે 90 અબજ ડોલરનું અંતર છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના મુજબ મંગળવારે બેઝોસની સંપત્તિ 196 અબજ ડોલર હતી.  

એલન મસ્કની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધી 117 અબજ ડોલરનો વધારો થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિ 101 અબજ ડોલર છે. આ વર્ષે કમાણી મામલે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ત્રીજી ક્રમાંકે છે. 77.6 અબજ ડોલરની નેટવર્થવાળા અદાણીએ આ વર્ષે અત્યાર સુધી સંપત્તિમાં 43.8 અબજ ડોલર ઉમેર્યા છે.

ટેસ્લા સિવાય એલન મસ્ક રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સના મોટા શેરહોલ્ડર અને CEO છે. એક અહેવાલ મુજબ સ્પેસએક્સની નેટવર્થ 100 અબજ ડોલરની આસપાસ છે. સ્પેસએક્સે આ વર્ષે અંતરિક્ષની પહેલી વ્યાવસાયિક ઉડાનનું પરીક્ષણ પણ કર્યું છે.