જાણો, જીયો એર ફાઇબર એ શું છે? એનાથી કેમ વધશે ઈન્ટરનેટ સ્પીડ?

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ ગઈ કાલે અહીં યોજાઈ ગયેલી કંપનીની 46મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં જાહેરાત કર્યા મુજબ, રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ જિયો કંપની તેની અત્યાધુનિક જિયો એર ફાઈબર સેવાનો આગામી ગણેશ ચતુર્થીના દિવસથી, એટલે કે 19 સપ્ટેમ્બરથી આરંભ કરવાની છે.

ઘણાને મનમાં સવાલ થતો હશે કે જિયો એર ફાઈબર શું છે?

જિયો એર ફાઈબર એ વાયરલેસ હાઈસ્પીડ બ્રોડબેન્ડ સેવા છે. તે એક વાયરલેસ ડિવાઈસ પર સંચાલિત હોય છે. આ ડિવાઈસ કોઈ તાર કે વાયર વગર તેજ ગતિએ ઈન્ટરનેટ અને સુરક્ષિત ઈન્ટરનેટ બ્રાઉઝિંગ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સેવા હવા મારફત ફાઈબર જેવી ઈન્ટરનેટ સ્પીડ પૂરી પાડશે. લોકો એમના ઘરમાં કે ઓફિસમાં પર્સનલ વાઈ-ફાઈ હોટસ્પોટ બનાવી શકશે.

આ ડિવાઈસ કેવી રીતે કામ કરશે?

આ ડિવાઈસમાં બે યુનિટ હશે. એક ઘર અથવા ઓફિસની છત પર બેસાડવામાં આવશે અને બીજું ઘરની અંદર મૂકવાનું હશે.

હાલ રિલાયન્સ જિયો ઓપ્ટિકલ ફાઈબર સેવા સાથે દેશભરમાં એક કરોડથી વધારે પરિસર જોડાયેલા છે. પરંતુ, હજી પણ એવા લાખો પરિસર છે જ્યાં વાયર કનેક્ટિવિટી આપવી મુશ્કેલ છે. એવા પરિસરોમાં રહેતા લોકોની મુસીબતને જિયો એર ફાઈબર સેવા આસાન કરશે. આ સેવા દ્વારા 20 કરોડ ઘરો સુધી પહોંચવાની રિલાયન્સ જિયો નેમ ધરાવે છે. અંબાણીનો દાવો છે કે, જિયો એર ફાઈબરના આગમનથી પ્રતિ દિન જિયો દોઢ લાખ નવા ગ્રાહકો જોડશે.

જિયોનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ભારતભરમાં આશરે 15 લાખ કિલોમીટર સુધી ફેલાયેલું છે.

રજિસ્ટ્રેશન

હાલના રિલાન્સ જિયો ધારકોને જો જિયો એર ફાઈબર સેવા જોઈતી હોય તો એમણે તે સેવા માટે એક સરળ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટર થવાનું રહેશે. એમણે માઈજિયો એપ પર અથવા જિયો.કોમ વેબસાઈટ પર એમના ઘરનું સરનામું આપવાનું રહેશે.