જિયોના 55-લાખ યૂઝર્સ વધ્યાં, વોડાફોન-આઈડિયાએ 43-લાખ ગુમાવ્યાં

મુંબઈઃ ગયા જૂન મહિનામાં રિલાયન્સ જિયો નેટવર્કે વધુ 55 લાખ યૂઝર્સ મેળવ્યાં હતાં. આ યાદીમાં બીજા ક્રમે ભારતી એરટેલ છે – 38 લાખ યૂઝર્સના ઉમેરા સાથે. નુકસાન વેઠનાર નેટવર્ક છે વોડાફોન-આઈડિયા, જેણે ઉક્ત સમયગાળા દરમિયાન 43 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતા. આ જાણકારી ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) તરફથી બહાર પાડવામાં આવેલા ડેટા પરથી મળી છે.

ભારતમાં 2021ના મે મહિનાના અંતે કુલ ટેલિફોન ધારકોની સંખ્યા 1,198.50 મિલ્યન હતી, જે જૂન મહિનામાં વધીને 1,202.57 થઈ ગઈ હતી. આમ, આ વૃદ્ધિદર 0.34 ટકાનો ગણાય. શહેરી વિસ્તારોમાં ટેલિફોનધારકોની સંખ્યા જૂન-2021ના અંતે 666.10 મિલ્યન હતી. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં ધારકોની સંખ્યામાં થોડોક ઘટાડો થયો હતો. તે સંખ્યા મે મહિનામાં 537.32 મિલ્યન હતી, જે જૂનમાં ઘટીને 536.47 મિલ્યન થઈ ગઈ હતી.

દેશમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યા મે-2021માં 986.11 મિલ્યન હતી. જોકે આ સંખ્યામાં એક મહિનામાં 0.53 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શહેરી તથા ગ્રામિણ, બંને વિસ્તારોમાં વાયરલેસ ધારકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.