જેટ એરવેઝનાં પાઈલટ્સ ત્રાસી ગયાં; આખરે વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો

મુંબઈ – ભારે દેવાને કારણે આર્થિક સંકટમાં આવી ગયેલી જેટ એરવેઝનાં પાઈલટ્સને ડર છે કે આ એરલાઈન બંધ થવાને આરે આવી ગઈ છે. એમને ત્રણેક મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી. આખરે ત્રાસીને એમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુને પત્ર લખીને જાણ કરી છે અને આ બાબતમાં દરમિયાનગીરી કરવાની વિનંતી કરી છે.

પાઈલટ્સે વડા પ્રધાન અને પ્રભુને કહ્યું છે કે તેઓ જેટ એરવેઝની મેનેજમેન્ટને સૂચના આપે કે એમનો ચડી ગયેલો પગાર ચૂકવી દે.

જેટ એરવેઝના ભારતીય પાઈલટ્સના રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન – નેશનલ એવિએટર્સ ગિલ્ડે પત્રમાં જણાવ્યું છે કે, અમને ડર છે કે આ એરલાઈન પતનને આરે છે. જો એ બંધ પડી જશે તો હજારો કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. વળી, એવિએશન ક્ષેત્રની ગતિવિધિ બદલાઈ જશે, કારણ કે ક્ષમતા ઘટી જવાને કારણે વિમાનભાડાં વધી જશે અને પરિણામે પ્રવાસીઓને ઘણી તકલીફ પડશે.

બે દિવસ પહેલાં જ આ પાઈલટ્સે નિર્ણય લીધો હતો કે જો એમનો ચડી ગયેલો પગાર 31 માર્ચ સુધીમાં રિલીઝ કરવામાં નહીં આવે તો તેઓ 1 એપ્રિલથી હડતાળ પર ઉતરી જશે.

જેટ એરવેઝ કંપની જબ્બર આર્થિક ભીંસમાં આવી ગઈ છે. એ પાઈલટ્સ તથા એન્જિનિયરોને બાદ કરતાં બીજા તમામ કર્મચારીઓને સમયસર પગાર આપે છે, એવો પાઈલટ્સના યુનિયને મોદી અને પ્રભુને લખેલા પત્રમાં દાવો કર્યો છે.

પાઈલટ્સનો દાવો છે કે એમને તથા એન્જિનિયરોને 3 મહિનાથી પગાર મળ્યો નથી અને એમની આ હાડમારીથી રાહત મળે એવી શક્યતા પણ દેખાતી નથી. અમે મેનેજમેન્ટને વારંવાર વિનંતી કરી છે, પણ એ કોઈ સાંભળતા નથી. પાઈલટ્સે વ્યવસાયિકપણું જાળવી રાખ્યું છે અને એરલાઈનની કામગીરીઓને અટકવા દીધી નથી, કારણ કે જો એ અટકી જાય તો પ્રવાસીઓને ખૂબ જ હાડમારી ભોગવવી પડે.

નરેશ ગોયલની આગેવાની હેઠળની જેટ એરવેઝને 25 વર્ષ થયા છે, પણ આ પહેલી જ વાર તે ગંભીર આર્થિક સંકટ ભોગવી રહી છે. એની પર એક અબજ ડોલરનું દેવું હોવાનું મનાય છે. વળી, કંપનીએ બેન્કો, સપ્લાયર્સ તથા વિમાન લીઝ પર આપનાર લેણદાર કંપનીઓને પણ પૈસા ચૂકવવાનું અટકાવી દીધું છે. કેટલાક લેણદારોએ તો લીઝ કરાર રદ કરવાનું શરૂ પણ કરી દીધું છે.

જેટ એરવેઝ જે એક સમયે દિવસ દરમિયાન 450 ફ્લાઈટ્સ ઓપરેટ કરતી હતી તે હાલ માત્ર 150 ફ્લાઈટ્સ જ ઓપરેટ કરે છે. એના ઘણા વિમાનોને ઉડ્ડયનમાંથી હટાવી લેવામાં આવ્યા છે.

અબુ ધાબીસ્થિત ઈતિહાદ કંપની જેટ એરવેઝમાં સૌથી મોટી શેરહોલ્ડર છે. જેટ એરવેઝ પોતાને આર્થિક ભીંસમાંથી ઉગારવા માટે ઈતિહાદ સાથે વાટાઘાટ કરી રહી છે તથા સરકાર હસ્તકની બેન્કો પણ જેટ એરવેઝને ઉગારવા માટે કોઈક યોજના ઘડવામાં વ્યસ્ત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]