એમેઝોનના સીઈઓ-પદેથી જેફ બેઝોસ દ્વારા રાજીનામાની જાહેરાત

ન્યૂયોર્કઃ ઓનલાઈન બુકસ્ટોર તરીકે સ્થાપના કરીને એમેઝોન કંપનીને આજે દુનિયાની અગ્રગણ્ય ઓનલાઈન શોપિંગ અને મનોરંજન કંપનીમાં પરિવર્તિત કરનાર અને હાલ દુનિયાના નંબર-1 ધનવાન વ્યક્તિ જેફ બેઝોસ આ વર્ષના અંતભાગમાં કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર પદેથી રાજીનામું આપશે. તેમણે આ વિશેના જાણકારી આપતો તેમજ કારણો દર્શાવતો ઈમેલ કંપનીનાં કર્મચારીઓને મોકલ્યો છે. કર્મચારીઓને મોકલેલા બ્લોગ પોસ્ટમાં બેઝોસે જણાવ્યું છે કે પોતાને એમની અવકાશ સંશોધન કંપની બ્લુ ઓરિજિન સહિતના સાઈડ પ્રોજેક્ટો પર ધ્યાન આપવું છે તેમજ સખાવતી પ્રવૃત્તિઓ માટે વધારે સમય આપવો છે અને પોતે જે ખરીદ્યું છે તે ‘વોશિંગ્ટન પોસ્ટ’ અખબારની કામગીરી પર ધ્યાન આપવું છે તેથી એમેઝોનના સીઈઓ પદેથી રાજીનામું આપશે.

57-વર્ષીય બેઝોસ લગભગ 30 વર્ષોથી એમેઝોનના સીઈઓ પદે રહ્યા છે. આ પદ પરથી રાજીનામું આપ્યા બાદ બેઝોસ એમેઝોનના એક્ઝિક્યૂટિવ ચેરમેન બનશે. એમના અનુગામી બનશે એન્ડી જેસ્સી, જે હાલ એમેઝોનનો ક્લાઉડ-કમ્પ્યુટિંગ બિઝનેસ સંભાળે છે.