મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માટે સારા સમાચાર છે. રિલાયન્સ ગ્રુપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીના ડિરેક્ટર તરીકે એમની પુત્રી ઈશા અંબાણી-પિરામલ તથા અન્ય બે વ્યક્તિની નિમણૂકને ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે જિયો ફાઈનાન્શિયલ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) છે.
જિયો ફાઈનાન્શિયલ કંપનીએ એક રેગ્યૂલેટરી સંદેશમાં જણાવ્યું છે કે, ‘આપને એ જણાવતા અમને આનંદ થાય છે કે કંપનીના ડિરેક્ટર તરીકે ઈશા મુકેશ અંબાણી, અંશુમાન ઠાકુર અને હિતેશકુમાર સેઠિયાની કરાયેલી નિમણૂકને આરબીઆઈએ નવેમ્બર 15, 2023 તારીખના પત્ર દ્વારા મંજૂરી આપી છે.’
જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીની નેટવર્થ છે રૂ. 1.2 લાખ કરોડ. સ્થાપનાના સમયે આ કંપની વિશ્વમાં સૌથી વધુ મૂડી ધરાવતી ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીઓમાંની એક હતી.