અમદાવાદઃ ટામેટાં સહિત શાકભાજીની કિંમતો ભડકે બળ્યા પછી હવે મરીમસાલાની કિંમતમાં ભડકો થવાની આશકા છે. ગયા વર્ષની તુલનાએ કેટલાક મહત્ત્વના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વળી, તહેવારો માથે છે, જેથી પણ મસાલાની કિંમતોમો વધારો થવાની આશંકા છે. જીરાની કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે. જીરાની કિંમતોમાં 75 ટકા કરતાં વધુનો વધારો થયો છે.
દેશભરમાં થઈ રહેલા અનિયમિત વરસાને કારણે જીરાના પાકમાં 30-40 ટકા નુકસાન થયું છે. વળી વરસાદ અને ઓલા પડવાને કારણે હળદર સહિત તમામ પાકોના વાવણી વિસ્તામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ જ પ્રકારે રાજસ્થાનના ધાણા ઉત્પાદન વિસ્તારમાં બિપરજોયને કારણે ભારે નુકસાન થયું છે. આ સિવાય આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં અનિયમિત વરસાદને કારણે મરચાંના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે. જીરાની સાથે-સાથે મેથી, મોટી ઇલાયચી, મરચાં, હળદર અને ધાણાની કિંમતોમાં ભાવવધારો થયો છે.
ઊંઝામાં જીરાની કિંમતો પ્રતિ ક્વિન્ટલ રૂ. 60,000 ઉપર ચાલી રહી હતી. જીરાના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે જીરાની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે.
હળદર 13 વર્ષની ઊંચાઈએ
હળદરની કિંમતોમાં એક મહિનામાં 42 ટકાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં હળદરની કિંમતોમાં 76 ટકાનો વધારો થયો છે. સ્થાનિક બજારમાં હળદરની કિંમતો આશરે પ્રતિ કિલો રૂ. 150એ પહોંચી છે, જે થોડા સમય પહેલાં રૂ. 70-80 હતી. એ જ રીતે વરિયાળી અને ઇલાયચીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે.
સુમાયા એગ્રોના દીપક પારેખનું કહેવું છે કે આગામી ત્રણ મહિનામાં મસાલાની કિંમતોમાં કમસે કમ 15 ટકાનો વધારો થવાની સંભાવના છે.