મુંબઈ- શેરબજારમાં નરમાઈનો માહોલ યથાવત રહ્યો હતો. સપ્તાહના છેલ્લા દિવસે શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી રહી હતી. બીએસઈ સેન્સેક્સ વધુ 560.45(1.44 ટકા) ગબડી 38,337.01 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી 177.05(1.53 ટકા) તૂટી 11,419.25 બંધ થયો હતો. આમ આજે સેન્સેક્સ અને નિફટી ગબડીને આવતાં શેરબજાર બે મહિનાના નીચી સપાટીએ પહોંચી ગયું હતું.
સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે નવું ગાબડું પડતાં રોકાણકારોના એક જ દિવસમાં 2 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા. ગુરુવારે બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 1,47,46,534.89 કરોડ રૂપિયા હતું, આજે શુક્રવારે તે ગબડીને 1,45,37,286.35 કરોડ રૂપિયા પર આવી ગયું છે. આમ એક જ દિવસમાં 2 લાખ કરોડ કરતા વધુ રકમનું માર્કેટ કેપમાં ધોવાણ થયું છે.
જીડીપી ગ્રોથના અંદાજમાં સતત ઘટાડો થતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ડહોળાયું હતું. તેજીવાળા અને મંદીવાળા ખેલાડીઓની એમ ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. બેરોજગારી વધી છે, ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું છે, યસ બેંકના પરિણામ ખૂબ નબળાં આવ્યાં છે, વિદેશના બજારોના પણ નેગેટિવ ન્યૂઝ હતાં, ઈરાન અમેરિકા વચ્ચે તંગદિલી ઉભી છે, આ બધાં કારણોને લઈને શેરબજારમાં વેચવાલી ફરી વળી હતી. જેથી શેરોના ભાવ સતત તૂટ્યાં હતા. વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના સરચાર્જ પર નાણાંપ્રધાન નિર્મલા સીતારમનનું જે નિવેદન આવ્યું છે, એ પછી એફઆઈઆઈએ પણ ઈન્ડેક્સ બેઝ્ડ શેરોમાં ભારે વેચવાલી કાઢી હતી.
આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(4.37 ટકા), બજાજ ફાઈનાન્સ(4.17 ટકા), આઈસર મોટર(4.03 ટકા), હીરો મોટોકોર્પ(3.71 ટકા), તાતા મોટર્સ(3.67 ટકા), ઈન્ડિયા બુલ્સહાઉસીંગ(3.66 ટકા), બજાજ ફિનસર્વ(3.58 ટકા) અને ઈન્ડુસઈન્ડ બેંક(3.35 ટકા)નો સમાવેશ થાય છે.