ફેક કોલ્સ-મેસેજિસ રોકવા ટેલિકોમ કંપનીઓ આજથી AI-આધારિત સ્પેમ ફિલ્ટર્સનો ઉપયોગ કરશે

મુંબઈઃ દેશના ટેલિકોમ ક્ષેત્રની નિયામક સંસ્થા TRAI (ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના આદેશાનુસાર ભારતમાં ટેલિકોમ કંપનીઓ એમની સિસ્ટમમાં આજથી લાગુ થાય એ રીતે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજી આધારિત ફિલ્ટર્સનો ઉમેરો/ઉપયોગ કરશે, જેનો હેતુ ગ્રાહકોને સતાવતા ફેક (નકલી) ફોન કોલ્સ અને સંદેશાઓને રોકવાનો છે.

આ નવા ફિલ્ટર્સ AI મારફત નકલી ફોન કોલ્સ અને એસએમએસ સંદેશાઓને શોધી કાઢશે અને એને બ્લોક કરી દેશે. વોડાફોન, એરટેલ, જિયો અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓ નિયામકના આદેશ બાદ એમની સેવાઓમાં AI-આધારિત ફિલ્ટર્સ બેસાડવામાં વ્યસ્ત છે. સ્પેમ (નકલી) કોલ્સ અને મેસેજિસની સમસ્યા ખૂબ વધી ગઈ છે અને ગ્રાહકોને તેનાથી સુરક્ષિત રાખવા માટે નિયામકે ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો છે. એરટેલે જાહેરાત કરી દીધી છે તે એ તેના તમામ ગ્રાહકોને AI-ફિલ્ટર્સ પૂરા પાડશે જ્યારે જિયો તેવા ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરી રહી છે.

નવી ટેક્નોલોજીનો અમલ થયા બાદ 10 આંકડાવાળા ફોન નંબરો પર પ્રોમોશનલ કોલ્સ પર પ્રતિબંધ મૂકાઈ જશે. TRAI નિયામક ‘કોલર ID ફિચર’ શરૂ કરવા વિચારે છે, જે કોલ કરનારનું નામ અને ફોટો દર્શાવશે.