નવી દિલ્હીઃ ભારતીય રેલવે ટૂંક સમયમાં જ પ્રીમિયમ ટ્રેનોમાં ટ્રેન હોસ્ટેસ દ્વારા પ્રવાસી-સેવા શરૂ કરનાર છે. શતાબ્દી, ગતિમાન અને તેજસ જેવી પ્રીમિયમ એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલા કર્મચારીઓ અને ટ્રેન હોસ્ટેસીસને તૈનાત કરવામાં આવશે. મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા માટે રેલવે વહીવટીતંત્રએ આ નિર્ણય લીધો છે. ટ્રેન હોસ્ટેસીસ ટ્રેનમાં પ્રવેશનાર પ્રવાસીઓનું સ્વાગત કરશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં તો મહિલા કર્મચારીઓ સેવા બજાવી જ રહી છે અને હવે ટૂંક સમયમાં જ તમામ (25) પ્રીમિયમ ટ્રેનોમાં પણ હોસ્ટેસીસ તૈનાત કરાશે.
આ ટ્રેન હોસ્ટેસીસ માત્ર દિવસના સમયમાં જ કામ કરશે. આનો અર્થ એ કે રાજધાની અને દુરંતો જેવી ટ્રેનોમાં હોસ્ટેસીસ નહીં હોય, કારણ કે આ ટ્રેનોમાં રાતની સફર પણ રહેતી હોય છે. રેલવે તંત્ર હાલ 12 શતાબ્દી, એક ગતિમાન, બે વંદે ભારત અને એક તેજસ એક્સપ્રેસ દોડાવે છે.