નવી દિલ્હીઃ દેશમાં અનલોકનો દોર શરૂ થયા પછી ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં GDPમાં 12 ટકા ઘટાડો થવાની શક્યતા છે, એમ એક સર્વે કહે છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં દેશના GDPમાં 24 ટકાનો જોરદાર ઘટાડો નોંધાયો હતો. આની પાછળ વિશ્લેષકોનો એ તર્ક હતો કે લોકડાઉનના સમયગાળામાં આર્થિક કામગીરી ઠપ થઈ હતી, એને કારણે GDPમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
એક સર્વેમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે માગ વધારવા માટે સરકારે એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. એની સાથે બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી વધારવાની વ્યવસ્થા કરવાનું સૂચન તેમણે કર્યું હતું. કોરોના વાઇરસના વધતા સંક્રમણને કારણે અને સ્થાનિક સ્તરે કેટલાય જિલ્લાઓમાં લોકડાઉનને કારણે ગ્રાહકોની માગ પર અસર પડી છે.
દેશની વાસ્તવિક GDP ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં આઠથી 16 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. જો નોમિનલ ગ્રોથની વાત કરીએ તો એમાં બીજા ત્રિમાસિક ગાળામાં એ 7.5 ટકાથી 9.5 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
કોટક મહિન્દ્રા બેન્કના અર્થશાસ્ત્રી ઉપાસના ભારદ્વાજે કહ્યું હતું કે આપણે હજી એ નથી કહી શકતા કે સૌથી ખરાબ સમય જતો રહ્યો છે. તેમણે કહ્યું હતું કે કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઇલેક્ટ્રિસિટી, ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગના કેટલાંક ક્ષેત્ર સારોનરસો દેખાવ કરી રહ્યા છે, પણ હાલ રિકવરીની પેટર્ન અનિશ્ચિત છે. ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં નકારાત્મક ઝોનમાં રહે એવી શક્યતા છે. આશા છે કે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અર્થતંત્રની સ્થિતિ થોડી સારી રહેવાની સંભાવના છે.