કોવિડથી 65 ટકા લોકોની કમાણી પર પ્રતિકૂળ અસરઃ 56 ટકા મોરેટોરિયમ લીધું : સર્વે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા અને એને પ્રસરતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે લોકોને બહુ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. આશરે 65 ટકા લોકોએ કહ્યું હતું કે એને કારણે તેમની આવક પર પ્રતિકૂળ અસર પડી છે, જ્યારે 56 ટકા લોકોએ દાવો કર્યો હતો કે તેમણે લોન અને ક્રેડિટ કાર્ડની ચુકવણી માટે મોરેટોરિયમ લીધું હતું.

ડીલિંગ વિથ ધ ડેટઃ હાઉ ઇન્ડિયા પ્લાન્સ ટુ પે EMI નામના શીર્ષક હેઠળ આ સર્વે કરવામાં આવ્યો હતો, જેનો હેતુ એ માલૂમ કરવાનો હતો કે કોરોનાને કારણે ભારતીયોની આવક અને લોન રિપેમેન્ટની ક્ષમતા કેવી રીતે પ્રભાવિત થઈ છે. આ સર્વે અનુસાર 65 ટકા લોકોએ કહ્યું હતું કે કોરોના રોગચાળા અને એને અટકાવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને પગલે  તેમની આવકમાં ઘટાડો થયો હતો. એમાંથી 16 ટકાએ દાવો કર્યો હતો કે તેમની આવકને ભારે નુકસાન થયું છે. 28 ટકાએ આવક અડધી થઈ હોવાની વાત કરી હતી.

આ સર્વે મુજબ 56 ટકા લોકોએ કહ્યું હતું કે તેમણે લોનની મોરેટોરિયમની સુવિધાનો લાભ લીધો હતો.  જે હેઠળ તેમણે  માર્ચ-ઓગસ્ટ દરમ્યાન લોન-ક્રેડિટ કાર્ડ પરના EMIની ચુકવણી નહોતી કરી. આ સર્વેમાં સામેલ અડધાથી વધુ લોકોએ કહ્યું હતું કે તેઓ લોનનું રિસ્ટ્રક્ચરિંગ  માટે અરજી કરવા ઇચ્છે છે.

55 ટકા ગ્રાહકોએ કહ્યું હતું કે લોન રિસ્ટ્રક્ચરિંગ માટે તેઓ બેન્કથી સંપર્ક કરશે, જે પહેલાં મોરેટોરિયમ લઈ ચૂક્યા છે, એમાંથી 70 ટકાએ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે બેન્ક તેમને લોન રિપેમેન્ટમાં કોઈ પણ પ્રકારની છૂટ આપે.    આ સર્વેમાં 8616 ગ્રાહકો સામેલ હતા, જેના પર એક લાખ રૂપિયાની વધુનાં લેણાં હતા. આ ગ્રાહકોની વય 24થી 57 વર્ષની વચ્ચે હતી. આ સર્વે 32 શહેરોમાં કરવામાં આવ્યો હતો.