વોશિંગ્ટનઃ વિશ્વમાં વિકસિત દેશોમાં મંદી આવી રહી છે, ત્યારે ભારત વિશ્વમાં બધાં અર્થતંત્રોમાં ચમકદાર સિતારો બનીને ઊભરી રહ્યું છે. ભારતે 10 લાખ કરોડ ડોલરના અર્થતંત્ર બનવાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે મહત્ત્વના માળખાકીય સુધારા કરવા પડશે, એમ આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે ઓલિવિયર ગૌરીચાસે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે વિશ્વમાં હવે આવનારી મંદીની ભારત પર અસર ખાસ નહીં પડે, કેમ કે ભારતીય અર્થતંત્ર સારો દેખાવ કરી રહ્યું છે. IMFએ ભારતીય અર્થતંત્રનો આર્થિક વિકાસ દર 2022-23માં ઘટાડીને 6.8 ટકા કર્યો છે અને 2.23-24 માટે 6.1 ટકા અંદાજ્યો છે.
ભારતના 10 લાખ કરોડ ડોલરના અર્થતંત્રના લક્ષ્ય વિશે પૂછવામાં આવેલા સવાલ વિશે તેમણે કહ્યું હતું કે આ લક્ષ્ય ભારત હાંસલ કરી શકે એમ છે. ભારતીય અર્થતંત્ર માટે અપાર સંભાવનાઓ છે, પણ એ માટે ભારત સરકારે અનેક સાધારાત્મક પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ડિજિટાઇઝેશન મામલે ભારત અગ્રણી દેશોમાંનો એક છે. ભારત ડિજિટાઇઝેશન જેવા ટુલ્સનો ઉપયોગથી નાણાકીય સર્વસમાવેશીના લક્ષ્યને હાંસલ કરી શકે છે. શિક્ષણ, આરોગ્ય, સામાજિક ક્ષેત્ર ડિજિટલ સાક્ષરતા અને માળખાકીય ખર્ચને વધારવાની જરૂર છે. ભારતીય અર્થતંત્ર કોરોના રોગચાળા પછી થયેલા ઘટાડામાંથી બહાર આવી ચૂક્યું છે, એમ તેમણે કહ્યું હતું.