અમદાવાદઃ જાન્યુઆરીમાં દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કામગીરી આશરે આઠ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. જાન્યુઆરીમાં નવા બિઝનેસ ઓર્ડર્સમાં વધારો થયો હતો, જે માગમાં રિકવરી થઈ રહી હોવાના સંકેત છે. વેચાણમાં વધારો થવાને કારણે ઉત્પાદન એકમોમાં વધુ કર્મચારીઓની ભરતી થઈ હતી, જે પાછલાં સાત વર્ષમાં સૌથી વધુ છે. જેથી અર્થતંત્ર પાટે ચડી રહ્યું હોવાનું જણાય છે. આ એક ખાનગી સર્વેમાં જણાઇ આવ્યું છે.
દેશમાં અર્થતંત્રમાં પ્રસરેલી મંદીની વચ્ચે પાછલા કેટલાક મહિનાઓમાં પહેલી વાર સકારાત્મક આંકડા આવ્યા છે. દેશનો જીડીપી ગ્રોથ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 4.5 ટકાએ હતો, જે છ વર્ષમાં સૌથી નીચલા સ્તરે હતો.
જાન્યુઆરીમાં માગમાં નોંધપાત્ર વધારો થવાને કારણે નવા વેપાર, ઉત્પાદનવધારો, નિકાસ, એકમોની ખરીદીમાં વધારો અને રોજગારમાં વધારો થયો હતો. આ સમયગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ પણ સાનુકૂળ રહ્યું હતું.
જાન્યુઆરીમાં ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ડિસેમ્બરના 52.7ની તુલનાએ 55.3 આવ્યો હતો. જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી વધુ હતો. જે ફેબ્રુઆરી, 2012 પછી પીએમઆઇનો સૌથી વધુ ગ્રોથ છે. આ પીએમઆઇ ઇન્ડેક્સ 50ની નીચે હોય તો વેપારનું સંકોચન દર્શાવે છે અને 50ની ઉપર હોય તો વેપારનું વિસ્તરણ દર્શાવે છે.
સતત છેલ્લા 30 મહિનાથી મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ 50ની ઉપર આવી રહ્યો છે, જે દર્શાવે છે કે વેપારમાં વિસ્તરણ થઈ રહ્યું છે. વળી, કુલ વેચાણમાં વધારો વિદેશનાં બજારોની માગને મજબૂત કરશે. નવેમ્બર, 2018થી નવા નિકાસ ઓર્ડર્સમાં ઝડપી વધારો થઈ રહ્યો છે.