ઈન્ડિયા આઈએનએક્સના પ્લેટફોર્મ પર ઈન્ટરનેશનલ સ્ટોક્સનું ટ્રેડિંગ લોન્ચ કરાશે

મુંબઈઃ ગુજરાત સ્થિત ગિફ્ટ સિટી સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી)માં આવેલા ઈન્ડિયા આઈએનએક્સે જાહેર કર્યું છે કે તે તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ઈન્ડિયા આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ આઈએફએસસી લિમિટેડ મારફતે અમેરિકામાં લિસ્ટેડ મુખ્ય કંપનીઓના શેર્સ સહિત ઈન્ટરનેશનલ સ્ટોક્સનું ટ્રેડિંગ શરૂ કરશે. કંપની અમેરિકા, કેનેડા, યુકે, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને જપાનમાંના શેર્સનું ટ્રેડિંગ ઓફર કરવાની યોજના છે. વૈશ્વિક રોકાણ ક્ષેત્રના આશરે 80 ટકાને આવરી લેવામાં આવશે.

ઈન્ડિયા આઈએનએક્સ પ્રથમ તબક્કામાં અમેરિકા, યુરોપ, એશિયા પેસેફિક અને આફ્રિકામાંના 31 દેશોનાં વૈશ્વિક એક્સચેન્જીસને આવરી લેશે, જેમાં ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ, નેસ્ડેક, એલએસઈ, કેનેડિયન સિક્યુરિટીઝ એક્સચેન્જ, ટોરોન્ટો સ્ટોક એક્સચેન્જ, બીએટીઝ યુરોપ, યુરોનેક્સ્ટ ફ્રાન્સ અને ટોક્યો સ્ટોક એક્સચેન્જનો સમાવેશ થાય છે.

ઈન્ડિયા આઈએનએક્સના ચેરમેન આશિષકુમાર ચૌહાણે કહ્યું કે એલઆરએસ રુટ દ્વારા નિવાસી ભારતીયો સરળતાથી ઈન્ડિયા આઈએનએક્સ પ્લેટફોર્મનો ઉપયોગ ગ્લોબલ સ્ટોક્સમાં રોકાણ અને ટ્રેડિંગ માટે કરી શકે છે. ગ્લોબલ સ્ટોક્સના ઉમેરાથી અહીં વધુ રોકાણ આવશે. જેઓ પ્રવાહિતા અને રોકાણપાત્રતા પર વિશેષ ભાર મૂકતા કોન્ટ્રેક્ટ ઈચ્છે છે તેમના માટે આ નોંધપાત્ર પગલું છે.

ઈન્ડિયા આઈએનએક્સ ટૂંક સમયમાં નવાં પ્રોડક્ટ્સની વિશેષતાઓ અને શરતો સહિતની વિગતો બહાર પાડી ઈન્ટરનેશનલ સ્ટોક્સમાં ટ્રેડિંગ લોન્ચ કરશે. ઈન્ડિયા આઈએનએક્સના મેમ્બર્સને આ સુવિધા વધારાના કોઈ ખર્ચ વિના પ્રાપ્ત થશે.