મારુતિ સુઝૂકીએ લોન્ચ કરી ઈલેક્ટ્રિક એસયૂવી ‘evx’

ગ્રેટર નોઈડા (ઉ.પ્ર.): અહીં ઈન્ડિયા એક્સપો માર્ટ ખાતે આજથી શરૂ થયેલા ‘ઓટો એક્સ્પો-2023’ ઓટોમોબાઈલ શોમાં મારુતિ સુઝૂકી કંપનીએ તેની પ્રથમ કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ) કાર ‘evx’ને લોન્ચ કરી છે. આ કાર એક વાર પૂરી ચાર્જ કરાયા બાદ 550 કિ.મી. સુધી ચાલે છે. મારુતિ સુઝૂકી ભારતમાં સૌથી વધુ કાર વેચનાર કંપની છે.

ત્રણ વર્ષ બાદ ફરી યોજવામાં આવેલો આ ઓટો એક્સ્પો-2023 જાહેર જનતા માટે 14-18 જાન્યુઆરીએ ખુલ્લો રાખવામાં આવશે. આ વખતના ઓટોમોબાઈલ પ્રદર્શનમાં મારુતિ સુઝૂકી, હ્યુન્ડાઈ, એમ.જી. કિઆ, બીવાઈડી, ટોયોટા, લેક્સસ, નિસાન, ટાટા મોટર્સ જેવી મોટી કાર ઉત્પાદક કંપનીઓ ભાગ લઈ રહી છે. જોકે બીએમડબલ્યુ, સ્કોડા, ફોક્સવેગન, ઔડી, મર્સિડીઝ-બેન્ઝ જેવી કંપનીઓએ ભાગ લેવાનું ટાળ્યું છે. એવી જ રીતે, કોઈ મોટી ટુ-વ્હીલર બ્રાન્ડ પણ આ વખતના એક્સ્પોમાં સામેલ થઈ નથી.

ઓટો એક્સ્પો ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મારુતિ સુઝૂકીની પિતૃ કંપના સુઝૂકી મોટર કોર્પોરેશનના રીપ્રેઝન્ટેટિવ ડાયરેક્ટર અને પ્રેસિડન્ટ તોશિહીરો સુઝૂકીએ કહ્યું કે દુનિયાની ઓટોમોબાઈલ માર્કેટમાં નંબર-1 બનવાની ભારતમાં ક્ષમતા છે અને આમાં નાના કદવાળી કાર મોટી ભૂમિકા ભજવી શકે છે. કાર્બન ઘટાડવાના ભારતના પ્રયાસોમાં એકલા ઈલેક્ટ્રિક વાહનો ઉકેલ બની શકે એમ નથી. એ માટે સુઝૂકી કંપની ફ્લેક્સ ફ્યુઅલ, હાઈબ્રિડ્સ અને સીએનજી જેવી અન્ય ટેક્નોલોજીઓના ઉપયોગની શક્યતાઓને પણ શોધી કાઢશે.

વર્ષ 2022માં, વિશ્વની ઓટોમોબાઈલ માર્કેટમાં જાપાનને પાછળ રાખી દઈ ભારતે ત્રીજો નંબર હાંસલ કર્યો હતો. ચીન અને અમેરિકા પહેલા અને બીજા નંબર પર છે. ભારતે ગયા વર્ષે અંદાજે 42.5 લાખ યુનિટ્સ વેચ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]