વૈશ્વિક અર્થતંત્રો પર 2023માં આર્થિક મંદીનો ખતરો  

જિનિવાઃ ઊંચો ફુગાવાનો દર, ઊંચા વ્યાજદરો ઘટેલું મૂડીરોકાણ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક દર ધીમો પડી રહ્યો છે, એમ વિશ્વ બેન્કનો રિપોર્ટ કહે છે. આ રિપોર્ટ ઊભરતાં બજારો અને વિકાસશીલ અર્થતંત્રોમાં રોકાણવધારા માટે મધ્યમ સમયગાળાના દ્રષ્ટિકો  વ્યાપક મૂલ્યાંકન પ્રસ્તુત કરે છે. અહેવાલ કહે છે કે 2023માં વૈશ્વિક અર્થતંત્રો પર આર્થિક મંદીનું જોખમ છે.   

કોરોના રોગચાળા પછી નાજુક આર્થિક પરિસ્થિતિઓને જોતાં અને અપેક્ષા કરતાં વધુ મોંઘવારીનો દર તેમ જ મુખ્ય વ્યાજદરોમાં અચાનક વધારો અને ફરીથી કોરોના વાઇરસના કેસોમાં થઈ રહેલો વધારો અથવા ભૂ રાજકીય તનાવ વૈશ્વિક અર્થતંત્રને મંદી તરફ ધકેલી શકે છે, એમ રિપોર્ટ કહે છે.

ઊભરતાં બજાર અને વિકાસશીલ અર્થતંત્રોમાં મૂડીરોકાણમાં વધારો છેલ્લા બે દાયકાની સરેરાશની નીચે રહેવાની અપેક્ષા છે. એના પ્રતિકૂળ આંચકા વૈશ્વિક અર્થતંત્રને વધુ એક મંદીની ગર્તામાં ધકેલી શકે છે. વૈશ્વિક અર્થતંત્ર 2023માં 1.7 ટકા અને 2024માં 2.7 ટકાના દરે વધવાનો અંદાજ છે.

વિશ્વ બેન્કે કહ્યું હતું કે આફ્રિકામાં 2023-24માં વ્યક્તિદીઠ આવક સરેરાશ માત્ર 1.2 ટકા રહેવાની અપેક્ષા છે. એ દર ગરીબી દરમાં વધારાનું કારણ બની શકે છે. આફ્રિકામાં વિશ્વના ગરીબોનો આશરે 60 ટકા હિસ્સો છે. આ સિવાય અહેવાલ કહે છે કે વિકસિત અર્થતંત્રોમાં વધારો 2.5 ટકાથી ધીમો પડીને 2023માં 0.5 ટકા થવાનો અંદાજ છે. અમેરિકામાં 2023માં વિકાસદર ઘટીને 0.5 ટકા રહેવાનો અંદાજ છે, જે પાછલા અંદાજો કરતાં 1.9 ટકા ઓછો છે.

યુરો ક્ષેત્ર માટે 2023માં વિકાસદર ઝીરો ટકા રહેવાની અપેક્ષા છે, જ્યારે ચીનનો વિકાસ દર 2023માં 4.3 ટકા અંદાજિત છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]