દુનિયામાં ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારતનું રેન્કિંગ નબળું

નવી દિલ્હીઃ મોબાઈલ ફોન પર ઈન્ટરનેટ સ્પીડ તથા ફિક્સ્ડ બ્રોડબેન્ડ સ્પીડ માટે જાગતિક સ્પીડટેસ્ટ ઈન્ડેક્સ બહાર પાડતી અમેરિકાની કંપની ઉક્લા (Ookla)એ ગયા ડિસેમ્બર માટે બહાર પાડેલા ઈન્ડેક્સમાં ભારત એક વધુ રેન્ક નીચે ઉતરી ગયું છે. મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારતનો નંબર દુનિયામાં 129મો છે જ્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડ સ્પીડમાં 65મો છે. ભારતમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ, જે નવેમ્બર-2020માં 12.91Mbps હતી, તે ડિસેમ્બરમાં 4.4 ટકા ઘટીને 12.91Mbps થઈ ગઈ હતી. જોકે એવરેજ મોબાઈલ અપલોડ સ્પીડમાં 1.4 ટકાનો વધારો થયો છે. નવેમ્બરમાં તે સ્પીડ 4.90Mbps હતી, પણ ડિસેમ્બરમાં 4.97Mbps હતી. મોબાઈલ ડાઉનલોડિંગ સ્પીડમાં કતરનો દેખાવ સૌથી સારો છે. ત્યાં આ સ્પીડ 178.01Mbps છે. યાદીમાં કતર પહેલા નંબર પર છે. સંયુક્ત આરબ અમિરાતમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડિંગ સ્પીડ 177.52Mbps. ત્રીજા નંબરે દક્ષિણ કોરિયા, ચોથે ચીન અને પાંચમે ઓસ્ટ્રેલિયા આવે છે.

ભારતમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટની સરેરાશ ડાઉનલોડિંગ સ્પીડ 53.90Mbps જ્યારે અપલોડિંગ સ્પીડ 50.75Mbps છે. આ કેટેગરીમાં થાઈલેન્ડે બાજી મારી છે જ્યાં ડાઉનલોડિંગ સ્પીડ 308.35Mbps છે. સિંગાપોર 245.31Mbps સાથે બીજા નંબર પર છે. હોંગકોંગ ત્રીજા નંબર ઉતરી ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]