ફ્રાંસને પાછળ છોડી ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

નવી દિલ્હીઃ વિકાસના દમ પર ભારતીય અર્થવ્યવસ્થાએ કાઠું કાઢ્યું છે. ફ્રાંસ જેવા દેશોને પાછળ છોડીને ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. વિશ્વ બેંક દ્વારા અપડેટ કરાયેલા આંકડાઓમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં ભારતનો જીડીપી છેલ્લાં નાણાંકીય વર્ષમાં 2.597 ટ્રિલિયન ડોલર રહ્યો જ્યારે ફ્રાન્સનો જીડીપી 2.582 ટ્રિલિયન ડોલર રહ્યો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર 2016માં નોટબંધી કરવા પર અને ગયા વર્ષે 1લી જુલાઇએ જીએસટી લાગુ કરવા પર બજારમાં આવેલ મંદી બાદ હવે મેન્યુફેક્ચરિંગ અને લોકોની ખરીદ ક્ષમતા વધતી જોવા મળી રહી છે અને મુખ્ય રૂપે આ જ કારણોસર જીડીપીમાં આ ઉછાળો આવ્યો છે. જો કે આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તિ આવકનાં મામલામાં ભારત હવે ફ્રાંસથી અનેક ઘણું પાછળ છે.

લંડન સ્થિત કન્સલ્ટન્સી ફર્મ સેન્ટર ફોર ઈકોવોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચે ગત વર્ષના અંતમાં જણાવ્યું હતું કે જીડીપીની દ્રષ્ટીએ ભારત બ્રિટન અને ફ્રાંસ બંન્નેને પાછળ છોડી દેશે. તો સાથે જ જણાવવામાં આવ્યું હતું કે 2032 સુધીમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે 2017ના અંત સુધીમાં બ્રિટન 2.622 ટ્રિલિયનના જીડીપી સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતું. આપને જણાવી દઈએ કે અત્યારે અમેરિકા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેના પછી ચીન, જાપાન અને જર્મનીનો નંબર આવે છે.