ભારતે ઓપેક દેશોને આપી ચેતવણી, ક્રૂડની કીંમત ઘટાડો નહીં તો અમે માગ ઘટાડીશું

નવી દિલ્હીઃ ક્રૂડ ઓઈલની સતત વધી રહેલી કીમતોને લઈને ભારતે હવે તેલ ઉત્પાદક દેશોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે કાં તો તમે ક્રૂડ ઓઈલની કીમતોમાં ઘટાડો કરો નહીં તો અમે માગ ઘટાડી દઈશું. દુનિયામાં સૌથી વધારે ક્રૂડ ઓઈલની માગ ધરાવતા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે અને ભારતે ઓપેક દેશોને જણાવ્યું છે કે તેમણે ભાવ ઘટાડવાનું શરૂ કરવું પડશે અથવા તો ખરીદીમાં અમે ઘટાડો કરીશું અને તે માટે આ દેશો તૈયાર રહે.  

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત દ્વારા ચેતવણી આપતા ઈંડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન સંજીવ સિંહે જણાવ્યું કે જેવી રીતે ગત બે થી ત્રણ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ ખૂબ વધ્યાં છે અને આ જ સ્થિતિ રહી તો ભારત અન્ય વિકલ્પો તરફ વળશે.

સિંહે જણાવ્યું કે ક્રૂડ ઓઈલની માગને કીમતોથી અલગ કરીને ન જોઈ શકાય. ખાસ કરીને ભારત દેશમાં કે જ્યાં કીમતોને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમણે જણાવ્યું કે કીંમતોમાં વધારાથી તમને શોર્ટ ટર્મમાં ક્રૂડની માંગમાં ઘટાડો નહી દેખાય પરંતુ તેની અસર લોન્ગ ટર્મ પર જરૂર દેખાશે. ઉલ્લેખનીય છે કે લીબિયા, વેનેઝુએલા અને કેનેડા દ્વારા ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડની કીંમતોમાં 5 ટકા સુધીનો વધારો થયો છે.