નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરવાનાં છે. બજેટમાં આ વખતે નાણાપ્રધાન ટેક્સછૂટ પર મોટું એલાન કરે એવી શક્યતા છે. સરકાર ટેક્સ છૂટને વધારીને રૂ. પાંચ લાખ કરે એવી શક્યતા છે, પણ 15-20 લાખ રૂપિયાની વચ્ચેની આવક માટે નવો ટેક્સ સ્લેબ અને HRA અથવા હોમ લોનમાં વ્યાજકાપ છૂટ નવી કર વ્યવસ્થામાં એલાન થવાની શક્યતા છે.
જૂની ઇન્કમ ટેક્સ વ્યવસ્થા હેઠળ બેઝિક એક્ઝેમ્પશન મર્યાદા રૂ. 2.5 લાખ અને નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ રૂ. ત્રણ લાખ છે. ટેક્સ પેયરની ટેક્સેબલ ઇન્કમની આ લિમિટ સુધી કોઈ ટેક્સ ચૂકવવાનો નથી. અપેક્ષા છે કે પૂર્ણ બજેટમાં આ લિમિટને નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ વધારીને રૂ. પાંચ લાખ કરવામાં આવે એવી શક્યતા છે.
જો સરકાર આવકવેરાની લિમિટ વધારશે તો એનાથી ના તો સરકારની ટેક્સની આવક પર અસર પડશે કે ના તો ટેક્સ બેસ ઓછો થશે. જોકે એનાથી હાયર ટેક્સ બ્રેકેટમાં આવનારા કરદાતાઓનો ટેક્સ ખર્ચ ઓછો થવામાં મદદ મળશે, એમ ટેક્સ કન્સલ્ટન્સી કંપની ટેક્સ આરામ ઇન્ડિયાના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને ફાઉન્ડર-ડિરેક્ટર મયંક મોહનકાનું કહેવું છે. તેમનું માનવું છે કે જો નાણાપ્રધાન બેઝિક એક્ઝેમ્પશન લિમિટને વધારીને રૂ. પાંચ લાખ કરશે તો રૂ. 15-20 લાખની ટેક્સેબલ ઇન્કમવાળા લોકોને ટેક્સમાં રૂ. 50,000-60,000ની બચત કરી શકે છે.