2021માં ભારતીય મૂળના લોકોએ વિશ્વમાં નવી સિદ્ધિ હાંસલ કરી

નવી દિલ્હીઃ 2021નું વર્ષ પૂરું થવામાં હવે માંડ સપ્તાહનો સમય બાકી છે, ત્યારે વર્ષના લેખાજોખા જોઈએ તો આ વર્ષે ભારતીય મૂળના લોકો વિશ્વ સ્તરે કાઠું કાઢ્યું છે. તેમણે કોરોના રોગચાળામાં ટેક્નોલોજી ક્ષેત્રે, એક્ટર તરીકે અને ઉદ્યોગસાહસિકતામાં નામના મેળવી છે. આવો જોઈએ કેટલીક હસ્તીઓએ જેમણે આ વર્ષે ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.

પરાગ અગ્રવાલઃ ભાતીય મૂળના સોફ્ટવેર એન્જિનિયર- 37 વર્ષીય પરાગ અગ્રવાલ માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, આલ્ફાબેટના સુંદર પિચાઈની હરોળમાં સામેલ થયા હતા, તેઓ ડિસેમ્બરમાં ટ્વિટરના CEO નિયુક્ત થયા હતા.

આદર્શ ગૌરવઃ 27 વર્ષીય ગૌરવે પ્રિયંકા ચોપડા અને રાજકુમાર રાવની સામે ‘ધ વ્હાઇટ ટાઇગર’માં પ્રસિદ્ધિ મેળવી હતી. તેણે બલરામની એક્ટિંગ દ્વારા પોતાના મૌનને ઉજાગર કર્યું છે. તેની આંખોએ 2000ના દાયકાના પ્રારંભના એક યુવકની વેદના અને આકાંક્ષાને વ્યક્ત કરી છે.

અનુપમ ત્રિપાઠીઃ નેટફ્લિક્સ પર હિટ કોરિયાઈ ડાયસ્ટોપિયન ડ્રામા ‘સ્ક્વિડ ગેમ’માં ભારતીય એક્ટરે વિશ્વ સ્તરે નામના મેળવી છે.

જય ચૌધરીઃ ફોર્બ્સના જણાવ્યાનુસાર 16.3 અબજ ડોલરની કુલ સંપત્તિવાળા ઉદ્યોગ સાહસિક અને 400 સૌથી શ્રીમંત અમેરિકીઓમાંના એક જય ચૌધરી 2021માં સૌથી શ્રીમંત ભારતીય અમેરિકી બની ગયા છે.

હરીશ પટેલઃ  ‘મિસ્ટર ઇન્ડિયા’ અને ‘અંદાજ અપના અપના’ જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી હરીશ પટેલ ફિલ્મ ‘એટરનલ’ની સાથે ફરી એક વાર ચર્ચામાં છે. તેઓ હંમેશાં એક માર્વલ ફિલ્મમાં કામ કરવા ઇચ્છતા હતા.