ભારતના ટેક્સ કાયદા બહુ જટિલ છેઃ ચીન

બીજિંગઃ ભારત સરકારે ભારતમાં કાર્યરત ચીની કંપનીઓના કાયદેસર અધિકારો અને હિતનું રક્ષણ કરવું જોઈએ, એમ ચીની સમીક્ષકોનું કહેવું છે. શંકાસ્પદ કરચોરી તથા આવકને લગતા અન્ય પ્રશ્નો અંગે ભારતના આવકવેરા વિભાગે અનેક ચીની કંપનીઓ પર હાલમાં પાડેલા દરોડાના સંદર્ભમાં ચીની અધિકારીઓએ આમ કહ્યું છે. જાણીતી ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ શાઓમી અને ઓપ્પોની દિલ્હી, મુંબઈ, રાજકોટ અને કર્ણાટકના સંબંધવાળી ઓફિસો ખાતે આવકવેરા વિભાગે ગુરુવારે દરોડા પાડ્યા હતા. અન્ય ચાઈનીઝ કંપની વનપ્લસની ઓફિસ ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપની ઓપ્પોમાં વિલિન થઈ ગઈ છે, પરંતુ તે અલગ બ્રાન્ડ તરીકે કામકાજ કરે છે.

ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ચીની નિષ્ણાતોએ કહ્યું છે કે ભારતના કરવેરાના લગતા કાયદા બહુ જ જટિલ છે. ઘણી ભારતીય કંપનીઓ અને કેટલીક સંયુક્ત સાહસવાળા ઉદ્યોગોની સામે પણ કરચોરીના મામલે તપાસ યોજવામાં આવી છે. ચીની કંપનીઓએ ભારતમાં સંભાળપૂર્વક મૂડીરોકાણ કરવું અને બિઝનેસ કરવો. જો તે દેશમાં બિઝનેસ કરવો હોય તો સ્થાનિક કાયદાઓનું કડક રીતે પાલન કરવું જેથી એમની સામે કોઈ પગલાં ભરવાનો ભારતીય સત્તાવાળાઓને કોઈ મોકો ન મળે.