મુંબઈઃ સ્પોટ ઈટીએફ માટે મંજૂરી મળી ગઈ હોવાને લગતી અફવાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે મોટી વધઘટ જોવા મળી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.75 ટકા (616 પોઇન્ટ) વધીને 35,791 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,175 ખૂલ્યા બાદ 37,437ની ઉપલી અને 35,091ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના સૌથી વધુ એટલે કે 6.30 ટકા વધ્યો હતો. બિટકોઇન, પોલીગોન અને ટ્રોનમાં પણ વૃદ્ધિ થઈ હતી.
દરમિયાન, યુનાઇટેડ કિંગડમના પ્રધાન એન્ડ્ર્યુ ગ્રિફિથે ક્રીપ્ટોકરન્સી કંપનીઓ માટે ઘડવામાં આવેલા ક્રીપ્ટો એડવર્ટાઇઝિંગને લગતા નવા નિયમો હળવા બનાવવાનો ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટીને અનુરોધ કર્યો છે. બીજી બાજુ, ઓસ્ટ્રેલિયાની રિઝર્વ બેન્કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો રોકડની જગ્યાએ વધુ ઉપયોગ કરવા માટેના ઉપાયો શોધવાનું શરૂ કર્યું છે.
પેમેન્ટ માટે બિટકોઇનનો ઉપયોગ કરવાની શરૂઆત કરનાર અલ સાલ્વાડોરના ઉપપ્રમુખ ફેલિક્સ ઉલોઆએ કહ્યું છે કે બિટકોઇન અપનાવવાને કારણે દેશમાં પર્યટન, રોકાણ અને આર્થિક વૃદ્ધિદરમાં વધારો થયો છે.