મુંબઈઃ અમેરિકામાં ફેડરલ ઓપન માર્કેટ કમિશન આ સપ્તાહે વ્યાજદર સંબંધિત નિર્ણય લેવાનું હોવાથી સાવચેતીની સ્થિતિમાં અને વેચવાલીના દબાણને લીઘે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટક કોઇનમાંથી ડોઝકોઇનને બાદ કરતાં બધા જ કોઇન ઘટ્યા હતા. મુખ્ય ઘટેલા કોઇન એક્સઆરપી, ચેઇનલિંક, સોલાના અને પોલકાડોટ હતા, જેમાં ચારથી છ ટકાનો ઘટાડો થયો હતો.
દરમિયાન, સાન ફ્રાન્સિસ્કોના ફેડરલ રિઝર્વે સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) સંબંધે કામકાજ શરૂ કર્યું છે. સીબીડીસી વિકસાવવા માટે ક્રીપ્ટો આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું છે. બીજી બાજુ સેન્ટ્રલ બેન્ક ઓફ નાઇજિરિયા સીબીડીસી મોબાઇલ એપમાં સુધારણા કરવાની દિશામાં આગળ વધી છે. સ્થાનિક સીબીડીસી – ઈનાઇરાથી પેમેન્ટ કરવાનું સરળ બને એ માટે એપને નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન (એનએફસી) ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.99 ટકા (788 પોઇન્ટ) ઘટીને 38,735 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,523 ખૂલીને 40,079 પોઇન્ટની ઉપલી અને 38,310 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
