ગિફ્ટ નિફ્ટીમાં એક જ દિવસમાં 8.5 અબજ ડોલરના ટર્નઓવરનો વિક્રમ સર્જાયો

મુંબઈ તા. 25 જુલાઈ, 2023: એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઈ આઈએક્સ) પરના ગિફ્ટ નિફ્ટી ડેરિવેટિવ્ઝમાં 24 જુલાઈએ 8.5 અબજ યુએસ ડોલરના મૂલ્યના 2.14 લાખ કોન્ટ્રેક્ટ્સનું વિક્રમજનક કામકાજ થયું હતું. ગિફ્ટ નિફ્ટી ડેરિવેટિવ્ઝના લોન્ચિંગ દિવસે (3 જુલાઈ, 2023) 1.21 અબજ ડોલરના 33,570 કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર થયું હતું એની સરખામણીમાં ગયા સોમવારે વોલ્યુમમાં 530 ટકાનો અને ટર્નઓવરમાં 600 ટકાનો વધારો નોંધાયો હતો.

એસજીએક્સને બદલે એનએસઈ આઈએક્સ-એસજીએક્સ ગિફ્ટ કનેક્ટનો પ્રારંભ કરાયો એ પછી એનએસઈ આઈએક્સ પર સતત ટર્નઓવર વધી રહ્યું છે અને સોમવારે તો પ્રારંભથી અત્યાર સુધીમાં થયેલા ટર્નઓવરનો આંકડો 7,86,636 કોન્ટ્રેક્ટ સહિત 30.28 અબજ ડોલરનો થઈ ગયો હતો.

ગિફ્ટ નિફ્ટી ગિફ્ટ્સ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેન્ક, ગિફ્ટ નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ગિફ્ટ નિફ્ટી આઈટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ એનએસઈ આઈએક્સ પર ઓફર કરે છે. લગભગ 21 કલાકમાં ગમે ત્યારે ટ્રેડિંગ કરી શકાય છે, જે સમયમાં એશિયા, યુરોપ અને અમેરિકાના ટ્રેડિંગ કલાકો આવરી લેવાયા છે. ગિફ્ટ નિફ્ટી એનએસઈ આઈએક્સ પર અમેરિકી ડોલરમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝમાં સોદા કરવા માટેની પુષ્કળ પ્રવાહિતા અને સ્થળ પૂરું પાડે છે.

ગિફ્ટ નિફ્ટી કે જે ભારતીય ઈક્વિટી બજારની સીમાચિહ્નરૂપ વિકાસ ગાથા છે, તેમાં આંતરરાષ્ટ્રીય સહભાગીઓની સામેલગીરી વધતી જાય છે. ગિફ્ટ નિફ્ટીના ટ્રેડિંગમાં સામેલ થઈને સહભાગીઓએ આપેલા ટેકા બદલ અમે આભારી છીએ, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું હતું.