નવી દિલ્હીઃ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એચસીએલના સંસ્થાપક શિવ નાડરના એકમાત્ર પુત્રી અને કંપનીનાં ચેરપર્સન રોશની નાડર દેશનાં સૌથી શ્રીમંત મહિલા છે. હુરુન ઇન્ડિયાના સર્વે અનુસાર રોશની નાડરની કુલ સંપત્તિ રૂ. 54,850 કરોડ છે. રોશનીએ દિલ્હીની વસંત વેલી સ્કૂલમાંથી શાળાકીય ભણતર પ્રાપ્ત કર્યું હતું. તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી-ઇવાનસ્ટોન, ઇલિનોઇસથી કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન અને કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે.
બાયોકોનના કિરણ મજુમદાર શૉ બીજા સ્થાને
આ યાદી કોટક વેલ્થ અને હુરુન ઇન્ડિયાએ વર્ષ 2020 માટે તૈયાર કરી છે. આ યાદીમાં બીજા સ્થાને બાયોકોનનાં સંસ્થાપક અને કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર કિરણ મજુમદાર શૉ છે. તેમની કુલ સંપત્તિ રૂ. 36,600 કરોડ છે. મુંબઈ આધારિત ફાર્મા કંપની યુએસવી પ્રા. લિ.નાં લીના ગાંધી તિવારી રૂ. 21,340 કરોડની સંપત્તિની સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
આ યાદીમાં 31 સેલ્ફ મેઇડ મહિલાઓ
અહેવાલ અનુસાર ટોચની 100 શ્રીમંત મહિલાઓમાંથી 31 સેલ્ફ મેઇડ છે, જેમણે સ્વબળે આ સફળતા પ્રાપ્ત કરી છે. આમાં છ પ્રોફેશનલ મેનેજર અને 25 ઉદ્યોગપતિ છે.
કંપનીના વ્યૂહાત્મક નિર્ણયોમાં મોટી ભૂમિકા ભજવનાર રોશની નાડરને માત્ર 28 વર્ષની ઉંમરે CEO બનાવવામાં આવ્યાં હતાં. એક વર્ષ પછી તેઓ કંપનીનાં કાર્યકારી ડિરેક્ટર નિમાયાં હતાં. IIFL વેલ્થ ઇન્ડિયા મુજબ 2019માં રોશનીની કુલ સંપત્તિ રૂ. 36,800 કરોડ હતી. ફોર્બ્સે 2017-18 અને 2019માં તેમને વિશ્વનાં 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યાં હતાં. તેમનાં પતિ શિખર મલ્હોત્રા એચસીએલ હેલ્થકેરના વાઇરસ ચેરમેન છે.