હીરો સાઈકલે ચીનને માર્યો ફટકોઃ 900 કરોડનો સોદો રદ કર્યો

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચીનના ઉત્પાદનોના બહિષ્કારની દેશભરમાં ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે હીરો સાઈકલ કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે. પંજાબના લુધિયાણા સ્થિત કંપનીએ ચીન સાથે નક્કી કરેલો 900 કરોડ રુપિયાના વ્યાપારને રદ્દ કરી દીધો છે. આ વ્યાપાર સોદો હીરો સાઈકલે ચીની કંપનીઓ સાથે કર્યો હતો. આ પહેલા હીરો સાઈકલે કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવા માટે 100 કરોડ રુપિયા ભારત સરકારને આપ્યા હતા. હીરો સાઈકલ આવનારા 3 મહિના દરમિયાન ચીન સાથે 900 કરોડ રુપિયાનો વ્યાપાર કરવાની હતી. લુધિયાણામાં મોટા પ્રમાણમાં સાઈકલના પાર્ટ્સ બનાવનારી નાની-મોટી કંપનીઓ છે, જેમની મદદ માટે હીરો સાઈકલ આગળ આવી છે. નાની કંપનીઓને પોતાની સાથે મર્જ થવાની ઓફર આપી રહી છે. હીરો સાઈકલના એમડી અને ડાયરેક્ટર પંકજ મુંજાલનું કહેવું છે કે, અમારી કંપનીએ ચીનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે અને એ માટે ત્યાંની કંપનીઓ સાથેનો વ્યાપાર રદ કરવાનો નિર્ણય કર્યો છે.

હવે આ કંપની ચીન સિવાયના અન્ય દેશો સાથે વ્યાપારની તકો શોધી રહી છે. આમાં જર્મનીનું નામ આગળ પડતું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન એક બાજુ જ્યાં તમામ કંપનીઓનું કામ-કાજ લગભગ બંધ થઈ ગયું છે ત્યાં હીરો સાઈકલ આગળ વધી રહી છે.

પંકજ મુંંજાલે કહ્યું કે, કંપની જર્મનીમાં પોતાનો પ્લાન્ટ લગાવવા જઈ રહી છે. ગત દિવસોમાં સાઈકલોની માંગ વધી છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીમાં નાની કંપનીઓને ખૂબ મોટું નુકસાન થયું છે, જેની ભરપાઈ કરવા માટે હીરો સાઈકલ તૈયાર છે. લુધિયાણામાં બનનારી સાઈકલ વેલીની સાથે હીરો સાયકલ ગ્લોબર લીડર તરીકે સામે આવશે. મુંજાલે કહ્યું કે, ચીની ચીજવસ્તુઓ-સામગ્રીનો બહિષ્કાર સરળતાથી કરી શકાય છે. આપણાં ત્યાં બધું જ બનાવી શકાય છે.