અમદાવાદ: વૈશ્વિક સ્તરે મોંઘવારી એક મોટો પડકાર બની રહી છે, ત્યારે ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આર્થિક પ્રગતિની સાથે ફુગાવાને નિયંત્રિત કરવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના તાજેતરના આંકડા અનુસાર, માર્ચ 2025માં ગુજરાતનો છૂટક ફુગાવો (CPI આધારિત) માત્ર 2.63% રહ્યો, જે રાષ્ટ્રીય સરેરાશ 3.34%થી નોંધપાત્ર રીતે ઓછો છે. આ પ્રદર્શન ઘણા વિકસિત રાજ્યોને પાછળ રાખે છે.
રાજ્ય સરકારના ‘વિકસિત ગુજરાત, જનકલ્યાણ મિશન’ના વિઝન હેઠળ આધુનિક વિકાસની સાથે ‘ઇઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સરકાર નવી નીતિઓ દ્વારા રોકાણને પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સ્થિર રાખવા વિશેષ પ્રયાસો કરી રહી છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 2.61% અને શહેરી વિસ્તારોમાં 2.70% રહ્યો, જે રાષ્ટ્રીય સરેરાશ (ગ્રામીણ: 3.25%, શહેરી: 3.43%)થી ઓછો છે. આ ગ્રામ વિકાસલક્ષી નીતિઓનું પરિણામ છે, જેનાથી ગામડાંઓમાં રોજિંદી વસ્તુઓ સસ્તી થઈ છે.
ગુજરાતે રાજકોષીય સુઝબૂઝ, પુરવઠા શૃંખલા સુધારણા, બજાર નિયમન અને જાહેર વિતરણ વ્યવસ્થા જેવી પહેલો દ્વારા ફુગાવાને અંકુશમાં રાખ્યો છે. આનાથી રાજ્યએ ભાવ સ્થિરતા અને આર્થિક વિકાસનું સંતુલન સફળતાપૂર્વક હાંસલ કર્યું છે. અન્ય રાજ્યો જેમ કે ઉત્તરપ્રદેશ (3.01%), મહારાષ્ટ્ર (3.86%), કર્ણાટક (4.44%) અને કેરળ (6.59%)ની તુલનામાં ગુજરાતનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. આ સિદ્ધિ ગુજરાતને ‘વિકસિત ભારત’ના વિઝનમાં અગ્રેસર રાખે છે.
