જીએસટીમાં ટેક્સ દરથી લઈને સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી?

નવી દિલ્હી: જીએસટી લાગુ થયાને અઢી વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આ દરમ્યાન જીએસટી કાઉન્સિલે ટેક્સના માળખાથી લઈને ટેક્સ દર સુધી અનેક પ્રકારના ફેરફાર કર્યા અને હવે એવી ચર્ચા છે કે, 5 ટકાના વર્તમાન બેઝ ટેક્સ સ્લેબને વધારીને 9થી 10 ટકા પર લઈ જવામાં આવી શકે છે. ટેક્સ રેવેન્યૂ વધારવા માટે સતત પ્રયત્ન કરી રહેલી જીએસટી કાઉન્સિલ વર્તમાન 12 ટકા ટેક્સ સ્લેબને ખતમ કરીને આ કેટેગરીમાં આવતા તમામ 243 પ્રોડક્ટ્સને 18 ટકાના ટેક્સ સ્લેબમાં લઈ જવા અંગે પણ વિચારણા કરી શકે છે.

જો આ અનુમાન સાચુ પડશે અને આ જ પ્રકારે જીએસટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવશે તો ગ્રાહકોના ખિસ્સા પર વધુ કાતર ફરશે સાથે સરકારની તિજોરીમાં 1 લાખ કરોડ રુપિયાથી વધારેની આવક થશે. આ ઉપરાંત, એવી પણ અટકળો છે કે હાલ જે વસ્તુઓ ટેક્સ ફ્રી છે તેને ટેક્સ સ્લેબ હેઠળ લાવવામાં આવી શકે છે.

દેશમાં ચાલી રહેલી આર્થિક સુસ્તીને કારણે ટેક્સ રેવેન્યૂમાં ઘટાડાની સમસ્યા વધી ગઈ છે. કારણ કે, કેન્દ્ર સરકારે જીએસટી લાગૂ કર્યા બાદના પ્રથમ ચાર વર્ષો સુધી રાજ્યોના કર સંગ્રહમાં 14 ટકાથી ઓછી વૃદ્ધિ થાય તો પોતાના ખાતમાંથી ભરપાઈ કરવાનું વચન આપ્યું હતું, એટલા માટે ઓછા કર સંગ્રહને કારણે હવે કેન્દ્રને દર મહિને અંદાજે 13,750 કરોડ રૂપિયા રાજ્યોને વળતર તરીકે ચૂકવવા પડી રહ્યા છે. એક અધિકારીક આકલન મુજબ, આગામી વર્ષ સુધી આ રકમ વધીને 20 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન છે.

એમાં કોઈ શંકાને સ્થાન નથી કે, દરોમાં પરિવર્તનથી કિંમતોમાં વધારો થશે. આનાથી છેલ્લા કેટલાક વર્ષોથી મોંઘવારી પર લાગેલી લગામ ઢીલી પડી શકે છે. જેને પરથી કહેવામાં આવી રહ્યું છે કે, જીએસટી કાઉન્સિલ સંભવત: ટેક્સ ફ્રી વસ્તુઓની સાથે કોઈ છેડછાડ નહીં કરે પણ ન્યૂનતમ ટેક્સ સ્લેબ બદલીને વધુમાં વધુ ભરપાઈ કરવાનો પ્રયત્ન કરશે. સરકારી અધિકારીઓનું માનીએ તો કેન્દ્ર સરકાર આગામી સપ્તાહે જીએસટીમાં પ્રસ્તાવિત ફેરફાર પર ચર્ચા વિચારણા કરશે. જો પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે તો ટેક્સ રેવેન્યુમાં તો વૃદ્ધિ થશે પણ સાથે જીએસટીના માત્ર ત્રણ દરો જ રહેશે.