GST કલેક્શનમાં 11 ટકા વધી રૂ. 1.60 લાખ કરોડને પારઃ પાંચમી વાર રેકોર્ડ

નવી દિલ્હીઃ ઓગસ્ટ-2023માં GST કલેક્શન વાર્ષિક ધોરણે 11 ટકા વધ્યું છે. રેવેન્યુ સચિવ સચિન મલ્હોત્રાએ પહેલી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) આવક વર્ષ 2022માં રૂ. 1,43,612 કરોડ થઈ હતી. આમ GST કલેક્શનમાં ઓગસ્ટમાં આશરે રૂ. 1.6 લાખ કરોડ રહી છે, એમ રેવેન્યુ સેક્રેટરી મલ્હોત્રાએ જણાવ્યું હતું.

નાણા મંત્રાલય મુજબ જુલાઈ, 2022માં GST કલેક્શન રૂ. 1,65,105 કરોડ નોંધાયું હતું. આ પાંચમી વાર છે, જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ રહ્યું હોય. તેમણે કહ્યું હતું કે જૂન ત્રિમાસિકમાં GDPનો ગ્રોથ દર 7.8 ટકા હતો. સાંકેતિક રૂપે એમાં આઠ ટકાનો વધારો નોંધાયો હતો.

દેશમાં GST લાગુ થયા બાદ આ વર્ષે એપ્રિલ-2023માં સૌથી વધુ GST કલેક્શનની આવક થઈ હતી. એપ્રિલમાં GSTની આવક રૂ. 1.87 લાખ કરોડ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં એ સરેરાશ રૂ. 1.51 લાખ કરોડ અને 2023-24ના પહેલા ત્રિમાસિક માં સરેરાશ રૂ. 1.69 લાખ કરોડનું કલેક્શન કહ્યું હતું.

મારો બિલ મારો અધિકાર

પહેલી સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારે મારું બિલ મારો અધિકાર નામથી એક ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) યોજના લોન્ચ કરી છે. આ યોજના દ્વારા માત્ર રૂ. 200ની ખરીદદારી કરીને રૂ. એક કરોડ સુધીનું રોકડ ઇનામ જીતવાની તક મળશે. આ યોજના હેઠળ લોકોએ રૂ. 200 અથવા તેનાથી વધુ કોઈ પણ GST ચલણને અપલોડ કરવાનું રહેશે.