મુંબઈઃ દુનિયાભરમાં લોકપ્રિય ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલનું આજનું ડૂડલ રસપ્રદ છે. દુનિયાભરમાં સૌથી લોકપ્રિય વાનગી પિઝ્ઝાને બિરદાવતા બિનસત્તાવાર ‘પિઝ્ઝા ડે’ની ગૂગલ તરફથી આજે ખાસ રીતે ઉજવણી કરવામાં આવી છે. તેણે પિઝ્ઝા વિશે એક વિશેષ ડૂડલ તૈયાર કર્યું છે અને ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ કર્યું છે. પિઝ્ઝા મૂળ ઈટાલીયન વાનગી છે, પરંતુ એના સ્વાદનાં શોખીનો ભારત સહિત દુનિયાભરમાં પથરાયેલાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UN)ની પેટાસંસ્થા યૂનેસ્કોએ 2007ની 6ઠ્ઠી ડિસેમ્બરે ‘માનવતાના નિરાકાર સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિત્વ યાદી’માં નીપોલિટન ‘પિઝ્ઝાયુઓલો’ વાનગી બનાવવાની રીતનો સમાવેશ કર્યો હતો. તે દિવસની ઉજવણી રૂપે ગૂગલે આજે તેના યૂઝર્સ માટે એક ગમ્મતભરી રમતના વિડિયોના રૂપમાં સ્પેશિયલ ડૂડલ રિલીઝ કર્યું છે. આ વિડિયોમાં એક ઉખાણો મૂક્યો છે જેમાં દુનિયાભરનાં 11 સૌથી લોકપ્રિય પિઝ્ઝા ટોપિંગનો સમાવેશ કર્યો છે અને યૂઝર્સને કહેવાયું છે કે પિઝ્ઝા કઈ ટાઈપનો છે અને એના આધારે એને સ્લાઈસમાં કાપવાનો છે. આપનું સ્લાઈસ જેટલું પરફેક્ટ હશે એટલા વધારે સ્ટાર તમે હાંસલ કરી શકશો.
પિઝ્ઝાનું જન્મસ્થાન ઈટાલીનું નેપલ્સ શહેર હોવાનું કહેવાય છે. કેમ્પેનિઆ પ્રાંતની રાજધાની છે નેપલ્સ. કહેવાય છે કે છેક 1700ના અંતભાગમાં પિઝ્ઝા ખાવાની શરૂઆત કરવામાં આવી હતી. એ વખતે લોટ (આટા) સાથે પનીર અને ટમેટાંના ઉપયોગથી પિઝ્ઝા બનાવવામાં આવતા હતા. તે પછી સમયના વહેણ સાથે પિઝ્ઝા બનાવવાની રીતમાં અનેક ફેરફારો આવતા રહ્યા છે. હાલ દર વર્ષે દુનિયાભરમાં અંદાજે પાંચ અબજ જેટલા પિઝ્ઝાઓ ખવાય છે. એકલા અમેરિકામાં જ દર સેકંડે 350 સ્લાઈસ ખવાય છે.
ગૂગલ ડૂડલમાં આ 11 પિઝ્ઝા દર્શાવાયા છે, જે યૂઝરે કાપવાના છે:
- માર્ગેરિટા પિઝ્ઝા (પનીર, ટમેટાં, તુલસી)
- પેપરોની પિઝ્ઝા (પનીર, પેપરોની)
- વ્હાઈટ પિઝ્ઝા (પનીર, વ્હાઈટ સોસ, મશરૂમ, બ્રોકોલી)
- કેલાબ્રેસા પિઝ્ઝા (પનીર, કેલાબ્રેસા, કાંદા, હોલ બ્લેક ઓલિવ્સ)
- મુઝરેલા પિઝ્ઝા (ચીઝ, ઓરેગેનો, હોલ ગ્રી ઓલિવ્સ)
- હવાઈયન પિઝ્ઝા (ચીઝ, સલામી, બેકન, કાંદા, ચિલી પેપર)
- ટેરિયાકી મેયોનેઝ પિઝ્ઝા (ચીઝ, ટેરિયાકી, મેયોનેઝ)
- ટોમ યમ પિઝ્ઝા (પનીર, ઝીંગા, મશરૂમ, મરચાં, લીંબુ)
- પનીર ટિક્કા પિઝ્ઝા (પનીર, શિમલા મરચાં, કાંદા, લાલ શિમલા મરચાં)
- મીઠાઈ પિઝ્ઝા.